ઊંઝાની મહિલાઓએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું : જાણીને કરશો પ્રશંસા

ઊંઝાની  મહિલાઓએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું : જાણીને કરશો પ્રશંસા

સુરત ઓર્ગન ડોનર તો ઊંઝા બ્લડ ડોનેશન માટે અવ્વલ નંબરે

રક્ત દાન કેમ્પમાં એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મહિલાઓએ પણ કર્યું રક્તદાન

350 થી વધારે બોટલ રક્ત એકત્ર કરાયું

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : સુરત ઓર્ગન ડોનર માટે જાણીતું છે, તો ઊંઝા 'બ્લડ ડોનેશન' માટે પ્રખ્યાત છે. કદાચ સૌથી વધારે બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા હોય તો ઊંઝામાં. ઊંઝામાં સામાન્ય જાહેર કાર્યક્રમો દરમિયાન પણ બ્લડ ડોનેશન કેમ્પ અવાર નવાર યોજાતા હોય છે. ઊંઝાના સેવાભાવી સંગઠનો દ્વારા પણ અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવતા હોય છે.

ત્યારે આજે સ્વ. વીર વિજય પટેલ 'પર્યાવરણ ઋષિ' ની ચતુર્થી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોતીલાલ ઓસવાલ માસ ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્રકૃતિ મંડળ ટીમ મહેસાણા અને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન જાયન્ટ્સ ઊંઝાના સંયુક્ત ઉપક્રમે દાસજ રોડ પર ઉમિયા યાત્રી ભવન ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 350 થી વધારે રક્ત બોટલો ડોનેટ થઈ હતી.

આ રક્તદાન કેમ્પમાં દરેક રક્તદાતા ને એક અનોખી ભેટ આપવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પની સૌથી મોટી વિશેષતા એ હતી કે કેમ્પમાં પુરુષોની સરખામણીમાં જ મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું.આશરે 100 થી 150 જેટલી મહિલાઓએ રક્તદાન કર્યું હતું. સામાન્ય રીતે યોજાતા બ્લડ કેમ્પમાં રક્ત ડોનેટ કરનારા પુરુષોનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ ઊંઝા ખાતે યોજાયેલ આ મેઘા રક્તદાન કેમ્પમાં મહિલાઓએ પણ પુરુષોની સરખામણીમાં જ રક્તદાન કરીને એક અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું કે મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી જ છે.