હેપ્પી બર્થ ડે : ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિને 108 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 3.75 કરોડની સ્કોલરશીપ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : પેજ પ્રમુખ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત પકડ આપનાર એવા નવસારીના લોકપ્રિય સાંસદ એવમ ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ ના જન્મદિવસ નિમિત્તે આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યકરો દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આજે સી આર પાટીલ ના જન્મદિવસે યોજાયેલા અનેક કાર્યક્રમોમાં નો એક કાર્યક્રમ 'જ્ઞાનોત્સવ' હતો જેને લઇને માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની યુવા પેઢી ને એક નવી પ્રેરણા મળી છે.
સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ જ્ઞાનોત્સવ કાર્યક્રમ અંતર્ગત 3.75 કરોડ રૂપિયાની 'સી.આર.પાટીલ સ્કોલરશીપ’ 108 છાત્રોને આપવામાં આવી હતી. આ સ્કોલરશીપનો લાભ સુરત મહાનગર પાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં ભણતા આર્થિક રીતે નબળા પરિવારના 108 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મળ્યું છે. સુમન હાઈસ્કૂલમાં ધોરણ 11માં ભણતા આ તમામ વિદ્યાર્થીઓને આજરોજ સી.આર.પાટીલના હસ્તે સ્કોલરશીપ અપાઈ હતી. આ તમામ વિદ્યાર્થીઓના આગામી પાંચ વર્ષના ભણતરનો ખર્ચ આ સ્કોલરશીપમાં આવરી લેવામાં આવ્યો છે. એટલે કે વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશન ફી, બૂક્સનો ખર્ચથી માંડીને કોચિંગનો ખર્ચે, શારીરિક અને માનસિક વિકાસ અને સ્વાસ્થ્યની વર્કશોપ્સ અને એનાથીય આગળ વિદ્યાર્થીઓના પોકેટમની માટે સુદ્ધાં તેમના વાલીઓને નહીં ચૂકવવા પડે. આમ જ્ઞાનોત્સવ થકી 108 પરિવારોના દીકરા-દીકરીનો જવાબદારી સ્વીકારી આ પરિવારોને મોટી આર્થિક રાહત આપવા સાથે બાળકોના ઉચ્ચ અભ્યાસની ચિંતાઓ પણ દૂર કરી છે.
સ્કોલરશીપના લાભાર્થી વિધાર્થીઓ પાસેથી પણ એક સંકલ્પ લેવડાવ્યો હતો કે, તેઓ પણ જીવનમાં સફળ થયા બાદ આ જ રીતે એક-એક વ્યક્તિના કરયરની જવાબદારી લેશે. એટલે કે ચેઈન સિસ્ટમ થકી વધુને વધુ પરિવારોનું જીવન ધોરણ બદલાતું રહેશે. સાથે આ વિદ્યાર્થીઓ માટે શહેરના નામી ઉદ્યોગપતિ પરિવારો મેન્ટરની ભૂમિકા નિભાવશે અને માર્ગદર્શન પૂરું પાડશે. આજ રોજ પણ સુમન શાળાના 1000+ વિદ્યાર્થીઓ માટે મેન્ટરીંગ અને સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.