સાત્ત્વિક ચેપ પ્રસરે તો લાભ સમાજને જ થશે
Mnf network: આપણે વાત કરીએ છીએ આપણી અંદર રહેલી કુટેવોની. એવું નથી કે કુટેવો લત છે. ના, બધી કુટેવો એવી નથી હોતી. મોટા ભાગની કુટેવ આપણા વ્યવહારોના કારણે આદત બને છે અને પછી એ આદત આપણને હક લાગવા માંડે છે. સિગારેટથી માણસ રહી ન શકતો હોય અને તે જાહેરમાં પીવા લાગે તો તેની તલબને તમે સમજવાનું સામર્થ્ય કેળવી શકો, પણ બસ કે ટ્રેનમાં સામેની ખાલી સીટ પર પોતાના ચંપલ સહિતના પગ લંબાવી દેવા એ તલબ નથી, એ આદત છે.
પગ દુખતા હોય, કળતર થતી હોય તો અને એ સીટ ખાલી હોય તો તમે એના પર પગ લંબાવો, તમને છૂટ આપી, પણ ચંપલ ઉતારવાની તસ્દી લેવા વિશે તો જાગૃતિપૂર્વક વિચારો. ચંપલ ઉતારવામાં અડધી સેકન્ડ લાગવાની છે, પણ એ અડધી સેકન્ડ ખર્ચવી શું કામ જોઈએ એની માટેની જાગૃતિ વ્યક્તિના વિચારોમાં હોવી જોઈએ અને અફસોસ સાથે કહેવું પડે કે એનો આપણે ત્યાં અભાવ છે.
કોઈને વૉમિટ થઈ જાય તો માન્યું કે તબિયતની અસર વચ્ચે તેણે પ્રયાસ કર્યા તો પણ જાહેર સ્થળ પર ગંદકી થઈ, પણ પાન ખાઈને પિચકારી મારવાની જે માનસિકતા છે એમાં તબિયતની અસર પણ ક્યાંય આવતી નથી. તમે તમારા શોખથી નાગરવેલનાં પાંદડાં ચાવો છો. તમારો શોખ તમને મુબારક, પણ એ શોખના કારણે તમારા વિસ્તારમાં ગંદકી કરવાનો અધિકાર તમને કોઈએ આપ્યો નથી. તમે એવું ન કરી શકો. તમારે એની વ્યવસ્થા જાતે જ કરવી પડે, જાતે જ કરવાની હોય, પણ આટલી સામાન્ય સમજણનો અભાવ છે અને એ અભાવ જ આપણને ગંદકીમાં જીવતી પ્રજા બનાવવાનું કામ કરે છે.
હવે તો પહેલાં કરતાં પ્રમાણમાં થોડું સારું છે. સરકાર પોતે પણ મહત્ત્વના સ્થાન પરથી સ્વચ્છતા વિશે વાત કરીને એની માટે લોકોને જાગૃત કરવાનું કામ કરે છે, પણ ટોકવાથી કુટેવોમાં ઘટાડો ન થાય. એ ઘટાડો તો જ આવે જો એ સંસ્કારો નાનપણમાં જ આપવામાં આવે, અન્યથા ત્યારે આવે જ્યારે સામે દંડની મોટી રાશિ નક્કી કરવામાં આવી હોય. તમે જુઓ, પશ્ચિમના દેશોમાં જનારી આપણી પ્રજા અહીંથી તો કુટેવ લઈને જ જાય છે, પણ ત્યાંના નિયમોને આધિન થઈને, ત્યાંનો માહોલ અને આજુબાજુના લોકોનું વર્તન જોઈને તે પણ આપોઆપ ત્યાંના લોકો જેવો સ્વચ્છતાનો આગ્રહી બની જાય છે. વાતાવરણ મહત્ત્વનું છે. ૧૦ સારા અને સ્વચ્છ માણસ વચ્ચે રહેતો એક ગંધારો ને ગોબરો નિયમિત રીતે નહાતો થઈ જાય એવું બનવાની શક્યતા હવેના સમયમાં વધારે છે અને માટે જ કહેતો રહું છું કે તમે જો સ્વચ્છતાનો આગ્રહ રાખતા થશો, જો કુટેવ દૂર કરવાનું શરૂ કરશો તો એનો સાત્ત્વિક ચેપ ઝડપથી પ્રસરી શકે છે.