સુરતના નાનપુરામાં મોડીરાતે ગેરેજમાં મૂકેલી એક સાથે છ કાર આગમાં રાખ થઈ ગઈ
Mnf network: શહેરના નાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી. ભીષણ આગમાં ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી 6 કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડને કોલ મળતા જ બે ફાયર સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને બે કલાકે આગને કાબુમાં લીધી હતી.
રાહદારીએ આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયરના લાશ્કરો ફાયર ટેન્ડર્સ સાથે દોડી ગયા હતાં. અડાજણ અને મુગલીસરા ફાયર સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આગને કાબૂમા લેતા કારની આગને કારણે ગેરેજને આગમાં સ્વાહા થતા બચાવી લીધું હતું.
ફાયર ઓફિસર બળવંતભાઈએ જણાવ્યું હતું કે, આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. અલબત્ત, તમામ કાર જૂની હતી અને રિપેરિંગ માટે આવી હતી. આ ઘટના લગભગ મધરાત્રે ત્રણ વાગ્યે બની હતી. એક સાથે 6 કાર સળગી રહી જવાનો કોલ મળતા જ બે ફાયર સ્ટેશનના ત્રણ ફાયર ટેન્ડર્સ મોકલવામાં આવ્યા હતાં. આગની જ્વાળા દૂરથી જ દેખાય રહી હતી. ઘટના સ્થળે પહોંચતા જ સતત પાણીનો મારો ચલાવી બે કલાકમાં આગને કંટ્રોલ કરી દેવાઈ હતી. જોકે, ગેરેજને સળગતા બચાવવામાં સફળ રહ્યા હતા. આગમાં તમામ પાર્ક કરેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા
.