મોદી મિશન : એક નેશન, એક ઇલેક્શન : અચાનક સત્ર બોલાવવાની જાહેરાતથી અટકળો તેજ
અચાનક જ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત અને ત્યારબાદ સરકાર દ્વારા 'એક દેશ એક ચૂંટણી'ની સંભાવનાઓ ચકાસવા માટે એક સમિતિની રચનાની જાહેરાતથી આ દિશામાં સરકાર પગલાં ભરશે તેવી અટકળો તેજ થઈ ગઈ છે.
મો.ન્યુ.ફો.નેટવર્ક : ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'એક દેશ એક ચૂંટણી'ની વર્ષોથી તરફેણ કરી રહ્યા છે. વર્ષ 2019ના જૂન મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વાર 'એક દેશ એક ચૂંટણી'ની વાત પર ભાર મૂક્યો છે. તેમણે પ્રિસાઇડિંગ અધિકારીઓના 80મા ભારતીય સંમેલનના સમાપન સત્રને વીડિયો કૉન્ફરન્સ દ્વારા સંબોધિત કરતી વખતે ફરી આ વિશે ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું, "વન નેશન વન ઇલેક્શ માત્ર ચર્ચાનો વિષય નથી પણ ભારતની જરૂરિયાત છે. દર મહિને ક્યાંકને ક્યાંક ભારતમાં ચૂંટણીઓ યોજાતી જોવા મળે છે. આનાથી વિકાસ કાર્યો પર અસર થાય છે. આથી વન નેશન વન ઇલેક્શન પર ગહન મંથન આવશ્યક છે."
વડા પ્રધાને વર્ષ 2018ના જૂનમાં પણ 'એક દેશ, એક ચૂંટણી'ના મુદ્દે સર્વપક્ષીય દળની બેઠક બોલાવી હતી. તેઓ ઘણા સમયથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ યોજવા પર ભાર મૂકી રહ્યા છે. પરંતુ આ મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે મતમતાંતર જોવા મળે છે.
મોદી ઘણી વાર કહી ચૂક્યા છે કે જો લોકસભા અન રાજ્યસભાની ચૂંટણી એક સાથે યોજાશે તો તેનાથી સમય અને પૈસા બંનેની બચત થશે.
તેમનું કહેવું છે કે વારંવાર ચૂંટણીના કારણે સરકારી વહીવટી કામો પર પણ અસર પડે છે. જો દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે જ થાય તો પક્ષો પણ દેશ અને રાજ્યમાં વિકાસનાં કામો પર વધુ સમય આપી શકે છે.