મુન્નાભાઈ MBBS એ ખેતરમાં શરૂ કરી કોરોનાના દર્દીઓ માટેની હોસ્પિટલ : તંત્રને જાણ છતાં કેમ છે લાચાર ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : કોરોના ના કહેરને પરિણામે સમગ્ર દેશમાં આરોગ્યલક્ષી સ્થિતિ કથળી રહી છે. લોકોને બેડ નથી મળતો ક્યાંક ઓક્સિજન નથી મળતો ક્યાંક ઇન્જેક્શન નથી મળતા, ત્યાં વળી ક્યાંક વેન્ટિલેટર ઉપલબ્ધ નથી. લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે કેટલાક લેભાગુઓ આ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે.
પ્રાપ્ત મીડિયા અહેવાલ મુજબ, મધ્યપ્રદેશમાં એક એવી હોસ્પિટલની વિગતો સામે આવી છે જેમાં લેભાગુ ડોકટર દેવીલાલે મધ્યપ્રદેશના આગર માલવ જિલ્લામાં રાજસ્થાન તરફ જતા રસ્તા પર ખેતરમાં જ હોસ્પિટલ શરુ કરી દીધી છે. સંતરાના ખેતરમાં ચાદરો પાથરીને દર્દીઓને સુવાડીને સારવાર થઈ રહી છે.ડોકટરો ઝાડ પર બોટલ લટકાવીને દર્દીઓને ચઢાવી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે આ ઘટનાની જાણ તંત્રને પણ છે, આમ છતા કોઈ કાર્યવાહી થઈ રહી નથી. અહીંયા દર્દીઓ જીવનુ જોખમ હોવા છતા સારવાર લેવા માટે મજબૂર છે, કેમ કે સારવાર માટે બીજો કોઈ વિકલ્પ પણ તેમની પાસે નથી. અહીંયા આસપાસના 10 ગામના લોકો મોટી સંખ્યામાં સારવાર કરાવવા માટે પહોંચી રહ્યા છે. કદાચ લોકો આ પ્રકારની સારવારના જોખમ અંગે જાણતા નથી અથવા તો સિસ્ટમ સામે તેઓ લાચાર હાલતમાં છે.