પ્રાણવાયુ બન્યો પ્રાણઘાતક : ઓક્સિજન ભરેલું ટેન્કર લીક થયું અને ટપોટપ દર્દીઓ મરવા લાગ્યા, 22 ના મોત થી અરેરાટી
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : મહારાષ્ટ્રના નાસિકની જાકિર હુસેન હોસ્પિટલમાં ટેન્કમાંથી ઓક્સિજન લીક થતા 22 લોકોના દર્દનાક મોત થયા છે. જેમાં બુધવારે બપોરે 2 ની આસપાસ હોસ્પિટલ પરિસરમાં પડેલી ટેન્કમાંથી ઓક્સિજન લીક થવા લાગ્યું હતું અને તેને પરિણામે વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા કોરોનાના દર્દીઓને ઓક્સિજન ઓછો મળવા લાગતા તેઓ તરફડવા લાગ્યા હતા અને 22 દર્દીઓ મોતને ભેટ્યા હતા. તથા 35 દર્દીઓની હાલત નાજૂક હોવાનું જણાવાયું હતું. ઘટના બની ત્યારે હોસ્પિટલમાં 238 દર્દીઓ દાખલ હતા.
ઓક્સિજન લીક થવાને કારણે આખી હોસ્પિટલ ધુમાડાથી ભરાઈ ગઈ હતી. શરુઆતમાં તો લોકો આગ લાગી હોવાનું લાગ્યું હતું. પરંતુ ઓક્સિજન લીક થયાનું જાણમાં આવતા લોકોમાં અફરાતફરી મચી હતી. હોસ્પિટલ સત્તાવાળાઓએ ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવતા ગાડીઓ આવી હતી અને મહામહેનતે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
મહારાષ્ટ્રના મંત્રી રાજેન્દ્ર શિંગળેએ મીડિયાને જણાવ્યું કે અમને પ્રાથમિક માહિતી મળી છે કે આ ઘટનામાં 22 દર્દીઓના મોત થયા છે. આ ઘટનાની તપાસ બાદ દોષીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલમાં 238 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર જે સમયે ઓક્સિજન સપ્લાય અટક્યો તે સમયે 171 દર્દીઓ ઓક્સિજન અને 67 દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. ઓક્સિજન સપ્લાય અટકતા હોસ્પિટલમાં અફરાતફરી મચી હતી અનેે દર્દીઓ મોતને ભેટયા હતા.