આરબીઆઈ એ ગ્રાહકોના હિતમાં આપ્યો આદેશ

આરબીઆઈ એ ગ્રાહકોના હિતમાં આપ્યો આદેશ

Mnf network :રિઝર્વ બેન્કે આ આદેશ નાની ફાઇનાન્સ બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, સહકારી બેન્કો, NBFCs, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ સહિત તમામ કોમર્શિયલ બેન્કોને મોકલ્યો છે. રિઝર્વ બેન્કને એવી ફરિયાદો મળી રહી હતી કે ગ્રાહકોએ લોનની સંપૂર્ણ ચુકવણી અથવા સેટલ કર્યા પછી પણ બેન્કો અને NBFC વગેરે મિલકતના દસ્તાવેજો સબમિટ કરવામાં વિલંબ કરી રહી છે. રિઝર્વ બેન્કે કહ્યું કે આ વિલંબને કારણે વિવાદ અને મુકદ્દમા જેવી સ્થિતિઓ ઊભી થઈ રહી છે.

સેન્ટ્રલ બેન્કે તમામ સંબંધિત નાણાકીય સંસ્થાઓને તાજેતરના આદેશમાં રિસ્પોન્સિબલ લેન્ડિંગ કંડક્ટ એટલે કે જવાબદાર ધિરાણ આચરણની યાદ અપાવી હતી. આરબીઆઈનો ફેર પ્રેક્ટિસ કોડ આ સંદર્ભમાં સ્પષ્ટ સૂચનાઓ આપે છે કે જો ગ્રાહક પ્રોપર્ટી લોનના તમામ હપ્તાઓ ચૂકવે છે અથવા લોન સેટલ કરી લે છે તો આવી સ્થિતિમાં તેને તરત જ મિલકતના દસ્તાવેજો મળી જવા જોઇએ.

 તમામ નિયમનકારી સંસ્થાઓ (વાણિજ્યિક બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, સહકારી બેન્કો, NBFCs અને એસેટ રિકંસ્ટ્રક્શન કંપની વગેરે) એ લોનના તમામ હપ્તાઓ મળવા અથવા સેટલ થવાના 30 દિવસની અંદર ગ્રાહકોને તમામ ઓરિજનલ દસ્તાવેજો પાછા આપવા પડશે. ગ્રાહકોને એ ઓપ્શન આપવામાં આવે કે તે પોતાની સુવિધા અનુસાર અથવા તો સંબંધિત બ્રાન્ચમાંથી આ દસ્તાવેજો લઇ શકે છે. અથવા તો તે બ્રાન્ચ અથવા જ્યાં દસ્તાવેજો રાખવામાં આવ્યા છે તે ઓફિસમાંથી પણ દસ્તાવેજો પરત લઇ શકે છે.

 લોનના સેક્શન લેટરમાં તમામ દસ્તાવેજો પરત કરવાની તારીખ અથવા સ્થળનો ઉલ્લેખ કરે. જો લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આવી સ્થિતિમાં બેન્કોએ તમામ દસ્તાવેજો કાયદેસરના વારસદારને પરત કરવા અંગે સ્પષ્ટ પ્રક્રિયા નક્કી કરવી પડશે અને તેમની વેબસાઇટ પર આ પ્રક્રિયા વિશેની માહિતી પણ દર્શાવવી પડશે.