ઊંઝા ઉમિયામાતા સંસ્થાન સામે સોશ્યલ મીડિયામાં ઉઠ્યા સવાલ : લક્ષચંડી યજ્ઞમાં કરોડો ખર્ચનાર સંસ્થા શુ ઓક્સિજનયુક્ત બેડની વ્યવસ્થા ન કરી શકે ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : કોરોનાની મહામારી માં સરકારે લોકોને રામભરોસે મૂકી દીધા છે. નથી બેડની વ્યવસ્થા, નથી પૂરતો ઓક્સિજન , નથી વેન્ટિલેટર ની સગવડો. તો બીજી બાજુ ક્યાંક હોસ્પિટલમાં નથી ડોક્ટર કે નર્સો નો પૂરો સ્ટાફ. હવે આ બધાના કારણે જો માનવી મૃત્યુ પામે તો સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે હવે જગ્યા પણ નથી રહી. ત્યારે આવી સ્થિતિમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ લોકોની મદદે આવવું જોઈએ. કારણ કે ધાર્મિક સંસ્થાઓમાં જે રૂપિયા છે એ કોઈ સંસ્થાના ટ્રસ્ટી કે સભ્યોના એકલાના નથી પરંતુ ધાર્મિક લાગણીઓ થી પ્રેરાઈને મંદિરમાં દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓના દાનના રૂપિયા છે, જેનો ઉપયોગ મહામારી ના સમયે લોકો માટે થવો જ જોઈએ.
અગાઉના સમયમાં મંદિરો એ સમાજમાં લોક ચેતનાનું કેન્દ્ર ગણાતા હતા. પરંતુ હાલના સમયમાં મંદિરો ક્યાંકને ક્યાંક પૈસા કમાવાનું સાધન બની રહ્યા હોય એવું ઘણા બધા કિસ્સાઓ પરથી લાગી રહ્યું છે. મહેસાણા જિલ્લાના ઊંઝામાં હાલમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓ માટે ૪૦ જેટલા ઓક્સિજનયુક્ત બેડની વ્યવસ્થા છે. પરંતુ આ ચાલીસ જેટલા ઓક્સિજનયુક્ત બેડ ભરાઈ જતાં બાકીના દર્દીઓ ક્યાં જશે એ એક મોટો પ્રશ્નાર્થ છે.
તો બીજી બાજુ કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન માં માત્ર પાટીદાર જ નહિ પરંતુ ધર્મમાં આસ્થા રાખતા તમામ દર્શનાર્થીઓ નું દાન આ સંસ્થાને મળતું રહે છે. ત્યારે આ સંસ્થાએ આ કટોકટીના કપરા સમયમાં સેવા યજ્ઞ માટે આગળ આવવું જોઈએ. પરંતુ હાલમાં ક્યાંકને ક્યાંક આ સંસ્થાન અન્ય સામાજિક અને ધાર્મિક સંસ્થાનો દ્વારા થતી સેવાકિય પ્રવૃત્તિઓ ના સંદર્ભમાં પીછેહઠ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે જેમાં સંસ્થાના પ્રમુખ/મંત્રી ને ઉલ્લેખીને લખવામાં આવ્યું છે કે, લક્ષચંડી યજ્ઞમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરનાર સંસ્થાન શુ કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની સુવિધાવાળા બેડની વ્યવસ્થા ન કરી શકે ?
અત્રે નોંધનીય છે કે ઉમિયામાતા સંસ્થાનના દ્વારા લક્ષ ચંડી યજ્ઞ માં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ યજ્ઞ પૂર્ણ થયા બાદ યજ્ઞ ની ઈટો અને રાખ પણ વેચીને પૈસા ઉભા કરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિના સમયમાં ઉમિયા માતાજી સંસ્થાન ક્યાં સુધી હાથ પર હાથ દઈને બેસી રહેશે ? ઉમિયામાતા સંસ્થાન લોકસેવાના કાર્યો કરવા માટે હજુ કોના આદેશની રાહ જોઈ રહ્યું છે ? ઊંઝા ઉમિયા માતા સંસ્થાન એ કરોડો કડવા પાટીદારોની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે આવા કપરા સમયમાં જો લોકોની મદદે ન આવે તો પછી ક્યારે આવશે ? અત્રે નોંધનીય છે કે લક્ષચંડી યજ્ઞ દરમિયાન ક્યાંકને ક્યાંક સમગ્ર કાર્યક્રમ જાણે રાજકીય નેતાઓ માટે ના સન્માન સમારંભ નો કાર્યક્રમ હોય તેવું ચિત્ર ઊભું થયું હતું. ત્યારે શું આ સંસ્થાન કોઈ રાજકીય વ્યક્તિઓ ના ઈશારે ચાલી રહ્યું છે ? શુ આ સંસ્થાન કોરોનાની મહામારીમાં લોકોની મદદે આવવા માટે કોઈ રાજકીય વ્યક્તિઓના આદેશની રાહ જોઈ રહ્યું છે ?