ઊંઝા : નગરપાલિકાના એક કોર્પોરેટરને મહિલાનો પીછો કરવો ભારે પડ્યો....નગરસેવકની કોણે કરી ધોલાઈ ? વાંચો સમગ્ર રસપ્રદ કિસ્સો

ઊંઝા : નગરપાલિકાના એક કોર્પોરેટરને મહિલાનો પીછો કરવો ભારે પડ્યો....નગરસેવકની કોણે કરી ધોલાઈ ? વાંચો સમગ્ર રસપ્રદ કિસ્સો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  ઊંઝા માં દિન-દહાડે એક પરણિત મહિલા ની છેડતી કરવાનો કિસ્સો બનવા પામ્યો છે. જેમાં ઊંઝા નગરપાલિકાના એક કોર્પોરેટરે આ મહિલાનો તેના ઘર સુધી પીછો કર્યો હતો. જેથી ગભરાઇ ગયેલી મહિલાએ તેના પતિને સમગ્ર વાત જણાવતા આ મહિલાના પતિ દેવે નગરસેવકને પકડી જાહેરમાં તેની જોરદાર ધોલાઇ કરી હતી. જેને લઇ આ સમગ્ર કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝામાં ગઈ કાલે સાંજે ચાર વાગ્યા આસપાસ એક મહિલા પોતાના ઘરેથી બજારમાં જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે ગઈ હતી. ત્યારે ઊંઝા નગરપાલિકાના એક નગરસેવકે આ મહિલાનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. મહિલા પાસે ટુ વ્હીલર સાધન હોઇ તે બજારમાંથી ચીજવસ્તુઓ લઇ પુલ ઉપર થઈને પાટણ રોડ પર આવેલી સોસાયટીમાં પોતાના ઘરે પહોંચી ત્યાં સુધી આ નગર સેવકે મહિલાનો પીછો કર્યો હતો.

ત્યારબાદ ડઘાઈ ગયેલી મહિલાએ સમગ્ર વાતની જાણ તેના પતિને કરી હતી. જેથી તાબડતોબ આ મહિલાના પતિદેવ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સમયે નગરસેવક જ્યાં મહિલાનો પીછો કરતો કરતો રાહ જોઈને ઉભો હતો. ત્યારે તેના પતિદેવે રોમિયો નગરસેવકને ત્યાંથી ઝડપી લઇ અને બરાબર મેથીપાક ચખાડ્યો હતો એમ એક પ્રત્યક્ષદર્શી વ્યક્તિ દ્વારા જાણવા મળ્યું છે.

જોકે અહીંથી મેથીપાક ખાધા બાદ જેમતેમ કરી નગરસેવક ત્યાંથી ભાગ્યો હતો. ત્યારે આ મહિલાના પતિ અને કેટલાક લોકો નગરસેવક ના ઘરે ગયા હતા અને ત્યાંથી તેનો ફોન નંબર મેળવી આ નગરસેવક જ્યાં હતો ત્યાં જઈ તેની ધોલાઈ કરી હતી. ત્યારબાદ ઘટનાની જાણ થતાં કેટલાક રાજકીય અગ્રણીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો. જોકે આ બાબતે સમજાવટ કરાતા ઘટના ને લઇને કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.