પ્રજાસત્તાક દિવસની પરેડમાં મેડ ઇન ઇન્ડિયા પર ભાર અપાશે
Mnf network: રાજપથ પર આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં મેડ ઇન ઇન્ડિયા હથિયારો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે. પરેડ દરમિયાન સ્વદેશી હથિયાર જેવાં કે, એલસીએચ પ્રચંડ હેલિકોપ્ટર, પિનાકા મલ્ટિ બેરલ રોકેટ લોન્ચર, અને એન્ટિ ટેન્ક મિસાઇલ નાગનું પ્રદર્શન કરવામાં આવશે.
એલસીએચ પ્રચંડ હેલિકોપ્ટર દેશનું પ્રથમ સ્વદેશી મલ્ટિ રોલ કોમ્બેટ હેલિકોપ્ટર છે, જેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડિઝાઇન કરાયું છે. એલસીએચ પ્રચંડ ગ્રાઉન્ડ એટેક અને હવાઈ હુમલામાં સક્ષમ છે. આ હેલિકોપ્ટર આધુનિક સ્ટીલ્થ ટેક્નિકથી સજ્જ છે, જેમાં આર્મર પ્રોટેક્શન અને રાત્રે હુમલા કરવાની ક્ષમતા પણ રહેલી છે. તેમાં આધુનિક નેવિગેશન સિસ્ટમ અને હવામાં વાર કરી શકે તેવી મિસાઇલ લગાડવામાં આવી છે. નાગ મિસાઇલ સિસ્ટમને ડીઆરડીઓ દ્વારા વિકસાવાઈ છે. દુશ્મનોની ટેન્કોને નષ્ટ કરવામાં આ મિસાઇલ ઘણી સક્ષમ છે અને ખાસ વાત એ છે કે આ મિસાઇલ સિસ્ટમ દિવસ અને રાત્રે બંને સમયે હુમલો કરવા સક્ષમ છે. આ મિસાઇલ ટોપ એટેક ક્ષમતાઓ અને ઓટોમેટિક રીતે પોતાના લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે.
ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન આધુનિક બખ્તરબંધ ગાડીઓ અને અન્ય વિશિષ્ટ વાહનો પણ પ્રદર્શિત કરાશે. આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં મુખ્ય અતિથિ રહેશે. મેડ ઇન ઇન્ડિયા હથિયારોમાં ટી-90 ટેન્ક, બીએમપી-2 ઇન્ફ્રન્ટ્રી કોમ્બેટ વાહન, ડ્રોન જામર્સ, એડ્વાન્સ સર્વત્ર બ્રિજ, સપાટી પરથી હવામાં વાર કરી શકે તેવી મિસાઇલો, અને મલ્ટિ ફંક્શન રડાર, વગેરેનું પણ પ્રદર્શન કરવામાં આવશે.