સુરત પોલીસને સલામ : ધો.10ના અટવાયેલા વિદ્યાર્થીને પોલીસ જવાને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત (જશવંત પટેલ) : આજથી ધો. 10ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ છે. ત્યારે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને કોઈ અડચણ ન પડે તે માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તેમજ એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. જો કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી જણાય તો તે ટ્રાફિક પોલીસનો સંપર્ક કરી શકે છે. ટ્રાફિક પોલીસ જાતે એ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી જશે અને આવો જ એક કિસ્સો આજે બન્યો હતો.આજે પહેલા જ દિવસે સુરત ટ્રાફિક પોલીસની એક ઉમદા કામગીરી સામે આવી છે.
આજરોજ સરથાણા જકાતનાકા પાસે લોક રક્ષક ઈમ્તિયાઝ ચોકિયા ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે સવારે એક વિદ્યાર્થી સરથાણા જકાતનાકા પાસે નિરાશ મને ચાલતો દેખાયો હતો. જેથી વિદ્યાર્થીને જોતા લોકરક્ષક ઈમ્તિયાઝને તે કોઈ પરીક્ષાર્થી હોવાનું લાગ્યું હતું. જેથી તાત્કાલિક ઇમ્તિયાઝે વિદ્યાર્થી પાસે જઈને તેની પૂછપરછ કરી અને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવા વિદ્યાર્થીની વ્યથા જાણી તેને સમજી હતી.
ટ્રાફિક પોલીસના કર્મચારી ઈમ્તિયાઝે વિદ્યાર્થીને પૂછપરછ કરતા તેને પોતાનું નામ માનવ કિશોરભાઈ દવે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યુ કે તે ધોરણ 10 ની પરીક્ષા આપવા જઈ રહ્યો છે. નાના વરાછા ખાતે આવેલ કૌશિક વિદ્યાલય ખાતે મારું પરીક્ષા કેન્દ્ર છે. જ્યાં હું ચાલતો ચાલતો પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છું. સરથાણા જકાતનાકાથી નાના વરાછા પરીક્ષા કેન્દ્ર અંદાજે ચાર કિલોમીટર આ વિદ્યાર્થી ચાલતો જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
સરથાણા જકાતનાકાથી નાના વરાછા સુધીના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા ધોરણ 10નો વિદ્યાર્થી ખૂબ મૂંઝવણ અનુભવી રહ્યો હતો. આ મૂંઝવણ જોઈ પોલીસકર્મી એ વિદ્યાર્થીને પૂછ્યું ત્યારે તેને જણાવ્યું કે મારે પરીક્ષા દેવા જવાનું છે અને મોડું થઇ ગયું છે. મારી પાસે કોઈ વાહન કે રીક્ષા કરીને જવા માટે પૈસા પણ નથી. વિદ્યાર્થીની આ વાત સાંભળી પોલીસકર્મી ભાવુક થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે એક મિનિટનો સમય બગાડ્યા વગર તરત જ તેને પોતાની બાઈક પર બેસાડી સરથાણા જકાતનાકા પાસેથી નાના વરાછા ખાતે કૌશિક વિદ્યાલય ખાતેના તેના પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડ્યો હતો. જેને લઇ વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જતા પરીક્ષા આપી શક્યો હતો.