સુરતને ગાર્બેજ ફ્રી સિટીમાં પ્રથમવાર 7 સ્ટાર રેટિંગ મળ્યું : ભારતના માત્ર 3 જ શહેરોનો સમાવેશ
સુરત ફ્રી ગાર્બેજ સિટીમાં મોખરે : 7 સ્ટાર રેટિંગ પ્રાપ્ત કર્યા
સતત ત્રીજા વર્ષે વોટર પ્લસ નું પણ મળ્યું સન્માન
સુરત મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલના કાર્યકાળમાં સુરતને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ
સુરત મ્યુનિસિપલ કર્મચારીઓ, સફાઈ કર્મીઓ અને સુરતીઓની જાગૃતતા રંગ લાવી
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2023ના પરિણામ
દેશમાં ઇન્દોર, નવી મુંબઈ અને સુરત ને માત્ર મળ્યું સ્થાન
શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે મળ્યો પુરસ્કાર
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શહેરોમાં કાયમી સ્વચ્છતા રહે એ માટે દર વર્ષે સ્વચ્છ ભારત મિશનનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2023, વોટર પ્લસ અને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગ પણ આપવામાં આવે છે. જેમાં 4320 જેટલાં શહેરોએ ભાગ લીધો હતો. જેનાં પરિણામો ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સની વેબસાઈટ પર શનિવારે તા. 6 જાન્યુઆરીએ જાહેર કરાયાં છે. જેમાં સુરત શહેરને પણ ગાર્બેજ ફ્રી સિટીમાં 7 સ્ટાર જાહેર કરાયું છે. સમગ્ર ભારત દેશમાં ઈંદોર, સુરત અને નવી મુંબઈ એમ ફક્ત ૩ શહેરને 7-સ્ટાર રેટિંગ મળ્યું છે. ગુજરાત રાજ્યમાં ફક્ત સુરત શહેરને 7 સ્ટાર રેટિંગ મળ્યું છે. જ્યારે ગુજરાતનાં અન્ય શહેરોને 3 સ્ટાર રેટિંગ મળ્યું છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન, રાત-દિવસ રસ્તાની સફાઈ, શહેરમાં સૂકા-ભીના કચરાની ડસ્ટબીન, વેસ્ટ કલેક્શન એન્ડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, સ્વચ્છતા એપ દ્વારા ફરિયાદના નિકાલની વ્યવસ્થા તેમજ ઘરે પણ લોકો દ્વારા ભીના કચરામાંથી ખાતર બનાવાય છે. આ તમામ કામગીરી શહેરમાં થતી હોય શહેરને ગાર્બેજ ફ્રી 7 સ્ટાર સિટી જાહેર કરવા માટે શાસકો સમક્ષ દરખાસ્ત મુકાઈ હતી. તેમજ વોટર પ્લસ સર્ટિફિકેશન માટે શહેરમાં સુએઝ વોટરની ટ્રીટમેન્ટ કરી ઈન્ડસ્ટ્રિયલ અને હોર્ટીકલ્ચરમાં ઉપયોગ થાય છે. તમામ સ્ટોર્મ વોટર ડ્રેઈન તથા મશીન હોલ ઘનકચરા મુક્ત રહે તે મુજબની વ્યવસ્થા છે. આ તમામ વ્યવસ્થા હોય, શહેરને વોટર પ્લસ શહેર જાહેર કરવા દરખાસ્ત મુકાઈ હતી. જે અંગે શહેરીજનો પાસેથી પણ સુચનો લેવામાં આવ્યા હતા. અને આ ઠરાવ મંજૂર થયા બાદ રાજ્ય સરકારને થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન માટે પત્ર મોકવામાં આવ્યો હતો. તેમજ હાલ સ્વચ્છતાની ટીમ પણ સુરત શહેરની મુલાકાત લઈ ગઈ હતી. જેમાં સુરત મનપાની આ કામગીરીઓ યોગ્ય જણાઈ હોઇ સુરત શહેરને આ વર્ષે ગાર્બેજ ફ્રી સિટીમાં 7 સ્ટાર રેટિંગનો ખિતાબ અપાયો છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની અધ્યક્ષતામાં તા.11 જાન્યુઆરી 2024 ના રોજ ભારત મંડપમ, ન્યૂ દિલ્હી ખાતે સ્વચ્છ સર્વેક્ષણ-2023ના એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવવા માટે સુરત મહાનગરપાલિકાને આપવામાં આવ્યું છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સુરત શહેર ઇન્દોર કરતાં 21 માર્કસ જ પાછળ
સ્વચ્છતા સર્વેક્ષણમાં કુલ 9500 માર્કસ હોય છે. વિવિધ કેટેગરીમાં મળીને 9500માંથી શહેરોને માર્કસ આપવામાં આવે છે. ગત વર્ષે સુરત અને ઈન્દોર શહેર વચ્ચે 221 માર્કસનો ફરક હતો. જેમાં ઈન્દોર શહેરે બાજી મારી હતી અને પ્રથમ ક્રમે રહ્યું હતું. જેમાં સૌથી વધુ માર્કસનો ફરક ગાર્બેજ ફ્રી સિટી અને વોટર પ્લસની કેટેગરીમાં હતો. ઈન્દોર શહેરને આ કેટેગરી અંતગર્ત 2500માંથી ફુલ 2500 માર્ક્સ મળ્યા હતા. અને સુરત શહેરને ગાર્બેજ ફ્રી સિટી અને વોટર પ્લસની કેટેગરીમાં 2500માંથી 2300 માર્ક્સ જ મળ્યા હતા. અને ગાર્બેજ ફ્રી સિટીની કેટેગરીમાં 5 સ્ટાર રેટિંગ હતું. પરંતુ આ વર્ષે સુરત શહેરને પણ આ કેટેગરી અંતર્ગત 2500માંથી ફુલ 2500 માર્કસ મેળવી લીધા છે. હવે ગત વર્ષની સરખામણીએ માત્ર 21 માર્કસનો જ ફરજ ઈન્દોર અને સુરત શહેર વચ્ચે છે. 11મી જાન્યુઆરીએ જાહેર થનારા સ્વચ્છતા સર્વેક્ષણનાં પરિણામો થકી હવે તેની જાણ થશે.