સુરત: VNSGU એ વેકેશન કોર્સ શરૂ કર્યા : વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનાવવાની અનોખી પહેલ

સુરત: VNSGU એ વેકેશન કોર્સ શરૂ કર્યા : વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનાવવાની અનોખી પહેલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વેકેશનને ધ્યાને લઈ વિવિધ સર્ટિફિકેટ કોર્સના વેકેશન બેચ ચાલુ કરવામાં આવી રહ્યા છે. ફોર્મલ એજ્યુકેશનની સાથે સાથે વિદ્યાર્થીઓ લેટેસ્ટ ટેક્નોલોજી, માર્કેટ ટ્રેન્ડ અને જોબ ડિમાન્ડના આધારે વિવિધ પ્રકારની સ્કિલ્સ મેળવી પગભર થઈ શકે તે માટે છેલ્લા કેટલાક વર્ષોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 800થી વધુ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાયા છે.

વેકેશન બેચમાં આ 800માંથી મહત્વના 53 કોર્સની બેચ શરૂ કરાઇ રહ્યા છે. જેની ફી 200 રૂપિયાથી લઇ 7 હજાર રૂપિયા સુધી છે. આ તમામ કોર્સિસ 30થી 45 કલાકમાં પૂર્ણ કરાવવામાં આવશે. આ સાથે જ એડવાન્સ્ડ ડિપ્લોમાં ઈન એક્સરે ટેક્નિશિયન અને ઓટી ટેક્નિશિયન જેવા 1 વર્ષના કોર્સની ફી 75 હજાર સુધી છે.

ખાસ વાત તો એ છે કે, ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ પણ આ સ્કિલ બેઝ્ડ સર્ટિફિકેટ કોર્સ કરી પોતાનામાં સ્કિલ્સ ડેવલપ કરી શકે છે. આ સાથે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને આ કોર્સ થકી ક્રેડિટ પણ આપવામાં આવે છે. આ તમામ સર્ટીફિકેટ કોર્સને વિદ્યાર્થીઓની ખાસ જરૂરિયાતોને ધ્યાને રાખીને ડેવલપ કરાયા છે.

જેમાં હેર કટિંગ, નેઇલ આર્ટથી લઈને લેટેસ્ટ ટેક્નોલોજી આધારિત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કોર્સિસ અને મેનેજમેન્ટના ડિજીટલ માર્કેટિંગના કોર્સનો પણ સમાવેશ કરાયો છે. આ કોર્સિસ સુરત શહેર અને તેના આજુ બાજુના કેટલાક વિસ્તારોની કોલેજો દ્વારા કરાવવામાં આવશે. જેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઈટ www. vnsgu.ac.inના સ્ટુડન્ટ કોર્નર કોર્નરથી મેળવી શકશે.