સૌથી મોટો ખુલાસો : શુ ખરેખર PM મોદીએ બાંગ્લાદેશ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ? PM મોદીની તે સમયે થઈ હતી ધરપકડ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જયેશ શાહ) : ગઇકાલે સાંજે ઢાકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે તેઓએ દિલ્હીમાં "Recognise Bangladesh Satyagraha"માં ભાગ લઈને ધરપકડ વહોરી હતી. આ વાત બહાર આવતાં જ તેઓને સોશિયલ મીડિયામાં “ટ્રોલ” કરવામાં આવી રહ્યા છે. પરંતુ વડાપ્રધાને ઢાકામાં આ જ પ્રવચન દરમિયાન તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના યોગદાનને પણ યાદ કર્યું તે અંગે કોઈ એક શબ્દ બોલતા નથી. ખેર....આ આધુનિક રાજનીતિ છે. ૧૯૭૧ની રાજનીતિ અલગ હતી. તે સમયે જનસંઘના પ્રમુખ શ્રી અટલબિહારી બાજપેયીએ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ૧૯૭૧નું યુદ્ધ જીત્યા પછી ઇન્દિરા ગાંધીની જાહેરમાં અને સંસદમાં પ્રસંશા કરી હતી. આવી ખેલદિલી હવે આજની રાજનીતિમાં જોવા મળતી નથી. હવે એ “ભવ્ય ભૂતકાળ” થઈ ગયો છે.
જનસંઘ દ્વારા ૦૧ ઓગસ્ટ ૧૯૭૧થી ૧૨ ઓગસ્ટ – એમ કુલ બાર દિવસ માટે "Recognise Bangladesh Satyagraha" કરવામાં આવ્યો હતો. હકીકતમાં તો ભારતીય સેનાએ બાંગ્લાદેશને પાકિસ્તાનના પંજામાંથી ડિસેમ્બર ૧૯૭૧માં મુક્ત કરીને આઝાદ રાષ્ટ્ર ઘોષિત કર્યું હતું. જનસંઘ દ્વારા છ મહિના અગાઉથી બાંગ્લાદેશને માન્યતા આપવા માટે ભારત સરકાર ઉપર દબાણ લાવવા માટે ઓગસ્ટ ૧૯૭૧માં બાર દિવસનો સત્યાગ્રહનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમાં દેશના જુદા જુદા રાજયોમાંથી આવેલા કાર્યકરોએ ધરપકડો વહોરી હતી.
જનસંઘના અધ્યક્ષ તરીકે અટલબિહારી બાજપેયીએ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ઉપર બાંગ્લાદેશમાં ભારતીય સેના મોકલવા માટે દબાણ બનાવવા માટે "Recognise Bangladesh Satyagraha"નું એલાન કર્યું હતું . તે સમયે અટલબિહારી બાજપેયીજીનું માનવું હતું કે રશિયાના દબાણમાં આવીને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ઝડપથી નિર્ણય લઈ રહ્યા નથી અને તેને કારણે બાંગ્લાદેશમાંથી લાખોની સંખ્યામાં હિંદુ શરણાર્થીઓ ભારતમાં ઘૂસી રહ્યા હતા.
"Recognise Bangladesh Satyagraha"ના બીજા દિવસે એટલે કે ઓગસ્ટ ૦૨, ૧૯૭૧ના દિવસે ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા અને પંજાબના કાર્યકરોએ અટકાયત વહોરી હતી. આ દિવસે જનસંઘના મહામંત્રી સુંદરસિંહ ભંડારી અને નાનજી દેશમુખ દ્વારા કાર્યકરોને સંબોધન કરવામાં આવ્યું હતું. આ સમાચાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ૦૩ ઓગસ્ટની એડિશનમાં પ્રસિદ્ધ થયા હતા. જનસંઘ અને આરએસએસના કાર્યકર તરીકે નરેન્દ્રભાઈ ગુજરાતના આ કાર્યકરોમાં સામેલ હોઈ શકે છે. આ હકીકત તરફ આંખ આડા કાન કરી શકાય નહીં. જેને આ હકીકત અંગે શંકા હોય તો તેઓએ તે સમયના દિલ્હીના રેકોર્ડ ચેક કર્યા પછી આક્ષેપ અને દલીલ કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ રીતે અંગત મંતવ્ય છે. રેકોર્ડ ચેક કર્યા વગર આક્ષેપબાજી ન થવી જોઈએ.
સત્યાગ્રહના છેલ્લા દિવસે એટલે કે ઓગસ્ટ ૧૨, ૧૯૭૧ના રોજ ૧૦,૦૦૦થી વધારે કાર્યકરોએ ધરપકડો વહોરી હતી. છેલ્લા દિવસે જનસંઘના અધ્યક્ષ અટલબિહારી બાજપેયીજીએ ઈન્ડિયા ગેટની લોનમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. ત્યાંથી વિશાળ સરઘસના સ્વરૂપે નીકળ્યા હતા અને સુરક્ષામાં રહેલી પોલીસે ૧૨૦ બસોમાં કાર્યકરોની અટકાયત કરીને નેશનલ સ્ટેડિયમમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં નવ મેજિસ્ટ્રેટ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ઓગસ્ટ ૦૩, ૦૯ અને ૧૨ ૧૯૭૧ના રોજ પ્રસિદ્ધ થયેલ સમાચારના દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઇકાલે ઢાકામાં જે કહ્યું હતું તે ધરાર સત્ય જ હતું. સત્ય પર ક્યાં સુધી ઢાંકપિછોડો કરવામાં આવશે તે જ ખબર નથી પડી રહી. બાંગ્લાદેશ સરકાર દ્વારા તત્કાલીન જનસંઘના પ્રમુખ અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપેયીજીને Bangladesh Liberation War Honour આપવામાં આવ્યું હતું તેમાં "Recognise Bangladesh Satyagraha"ની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તદુપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત ગુજરાતી પુસ્તક “સંઘર્ષમાં ગુજરાત” (પ્રથમ આવૃત્તિ ૧૪ જાન્યુઆરી ૧૯૭૮) કે જેનું વિમોચન તત્કાલીન મુખ્યપ્રધાન બાબુભાઇ જશભાઈ પટેલના હસ્તે થયું હતું. આ પુસ્તક એટલું બધુ વેચાયું કે એનું પુન: મુદ્રણ બીજી આવૃત્તિ તરીકે ૦૭ માર્ચ ૧૯૭૮ના રોજ કરવામાં આવ્યું. આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ (સપ્ટેમ્બર, ૨૦૦૦)ની પ્રસ્તાવના અટલબિહારી બાજપેયીએ (૨૯ જુલાઇ, ૨૦૦૦) લખી હતી. આ પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. આ પુસ્તકની ચોથી આવૃત્તિ માર્ચ ૨૦૦૮માં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પુસ્તક કે જે જાન્યુઆરી ૧૯૭૮માં પ્રસિદ્ધ થયું હતું તેમાં બેક ટાઇટલ પેજ પર નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ સત્યાગ્રહ સમયે તિહાર જેલમાં જઈ આવ્યા હતા તેવો ઉલ્લેખ છે.
આ તથ્યો અને સત્ય હકીકત તરફ આંખ આડા કાન કરી શકાય નહીં. ૧૯૭૧ના યુદ્ધમાં ભારતને જ્વલંત વિજય મળ્યો એ માટે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની કુનેહ અને ભારતીય સેનાની વ્યૂહરચનાને જ આભારી હતો. પરંતુ યુદ્ધ શરૂ થયાના છ મહિના અગાઉથી દેશની સરકારને બાંગ્લાદેશને માન્યતા આપવા માટે તે સમયના જનસંઘ દ્વારા સત્યાગ્રહ કરવામાં આવ્યો હોય અને તે પણ સતત બાર દિવસ સુધી તો તે તરફ પણ આંખ આડા કાન ન કરવા જોઈએ. જેટલું સત્ય ૧૯૭૧ના યુદ્ધના વિજય માટે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી છે તો યુદ્ધના છ મહિના અગાઉથી જનસંઘ દ્વારા બાંગ્લાદેશને માન્યતા અપાવવા માટે કરેલો સત્યાગ્રહ પણ એટલું જ સત્ય છે જ.
(આ લેખમાં વ્યક્ત થયેલ વિચારો લેખકના પોતાના છે.)