ઊંઝા ધારાસભ્યની નિષ્ક્રિયતા : છેવટે પાલિકાના પૂર્વ વિપક્ષ નેતાએ મોરચો સંભાળ્યો : આરોગ્યમંત્રીને લખ્યો પત્ર
ધારાસભ્ય ની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ
સતત વિવાદોમાં રહ્યા છે ધારાસભ્ય
સરકારી હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ છતાં ધારાસભ્ય મૌન ?
છેવટે પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા આવ્યા મેદાનમાં
ભાવેશ પટેલ છે ઊંઝાના લોકપ્રિય સામાજિક નેતા
આરોગ્યમંત્રી ને પત્ર લખી તાત્કાલિક સુવિધાઓ ઊભી કરવા કરી માંગ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા એ વિશ્વ વિખ્યાત માં ઉમિયાનું ધામ છે તેમજ કૃષિ ક્ષેત્રે APMC ઊંઝા સમગ્ર એશિયામાં ખ્યાતનામ છે. પરંતુ ઊંઝામાં આરોગ્ય લક્ષી સુવિધાઓ નો અભાવ જોવા મળી રહ્યો છે. જેના માટે ધારાસભ્યની નિષ્ક્રિયતા જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય ખૂબ જ ધીમી કામગીરી માટે જાણીતા છે કારણ કે વિસ્તારમાં અનેક સમસ્યાઓ છેલ્લા ઘણા સમયથી જૈસે થે છે પરંતુ ધારાસભ્યને માત્ર રાજકીય સોગઠા ગોઠવવામાં જ રસ હોય તેવું દેખાઈ રહ્યું છે. વિસ્તારની સમસ્યાઓ ના સમાધાન માટે તેમની નિરસતા દેખાઈ રહી છે. ત્યારે ઊંઝા નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા ભાવેશ પટેલે ઊંઝામાં આરોગ્ય લક્ષી સુવિધાઓ પૂરી થાય તે માટે મોરચો સંભાળ્યો છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ને પત્ર લખીને મહત્વની માંગણીઓ કરી છે.
ઊંઝા પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા ભાવેશ પટેલે આરોગ્યમંત્રી સમક્ષ ઊંઝા શહેરમાં સરકારી હોસ્પિટલ માટે આરોગ્ય (મેડિકલ) ક્ષેત્રેની નીચે મુજબની માંગણીઓ કરી છે.
(૧) I.C.U. ઓન વ્હીલ 2 એમ્બ્યુલન્સની અત્યંત જરૂર છે. જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક, અન્ય કોઈ ગંભીર અકસ્માતોમાં જે તે સ્થળેથી હોસ્પિટલ સુધી લઈ જવા સારવાર માટે ખુબ જ ઉપયોગી થાય છે. જ્યારે કોઈપણ દર્દીને ગંભીર ઈજાઓમાં ઊંઝાથી બીજી કોઈ હોસ્પિટલમાં લઈ જવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે મહેસાણા કે પાટણ હોસ્પિટલનો સંપર્ક કરવો પડે છે. અન્ય પ્રાઈવેટ હોસ્પિટલો ખુબ જ ઉંચો ચાર્જ વસુલે છે. તેથી સામાન્ય લોકો આ સેવાથી વંચિત રહી જાય છે અને પૈસાની સાથે સમયનો પણ વ્યય થાય છે,
(૨) ઊંઝા કોટેજ (સીવીલ) હોસ્પિટલમાં I.C.U. ની પણ સુવિધા નથી. તેથી સત્વરે અત્યાધુનિક I.C.U. રૂમ બનાવવો જે તમામ સાધન-સામગ્રી તેમજ કાયમી (પર્મનન્ટ) ડૉક્ટરોની સંપૂર્ણ ટીમથી સજ્જ હોય.
(૩) ઈમર્જન્સી સુવિધાઓ અને ડૉક્ટર સ્ટાફનો પણ અભાવ છે. તે માંગને સત્વરે પુરી કરવી. તેમજ ૨૪ કલાક કોલ ઓપરેટરની નિમણુંક કરવી.
(૫) એમ્બ્યુલન્સ વાનના કાયમી ૨ (બે) ડ્રાઈવરની જગ્યા ખાલી છે. તે સત્વરે પૂર્ણ કરવી.
(૬) નવીન હોસ્પિટલ બિલ્ડીંગમાં તાલુકા કક્ષાનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવો. જેથી કરીને કોઈપણ વાઈરસના ફેલાવાની શક્યતાઓને ધ્યાને રાખીને સમય સૂચકતાને જોતાં વાઈરસના ફેલાવા સામે આગોતરી કાર્યવાહી કરી વાઈરસને ફેલાતો રોકી શકાય.
(૭) નવીન હોસ્પિટલ બિલ્ડીંગમાં બ્લડ સ્ટોરેજ યુનિટ બનાવવું. જેથી જરૂરિયાત મંદને ઈમર્જન્સી સમયે ઉપયોગ થઈ શકે.
(૮) ડૉક્ટરોની રહેણાંક સુવિધા માટેના સ્ટાફ ક્વાર્ટરની હાલત ખુબ જ ખરાબ છે. જેથી ત્યાં કોઈ ડૉક્ટરનું રહેણાંક શક્ય નથી. તેથી ડૉક્ટરોના રહેણાંક માટે યોગ્ય સુવિધાવાળા સ્ટાફ ક્વાર્ટર બનાવવા.
(૯) મેડીકલ ઓફીસર (વર્ગ-2) ની સરકારી નિયમ મુજબ ૯ ની સામે માત્ર ૫ જ ડૉક્ટરોની મહેકમ થયેલી છે બાકીની ૪ જગ્યાએ તત્કાલ ડૉક્ટરોની નિમણુંક કરવી. એની સાથે કાયમી (પર્મનન્ટ) ફિઝિશિયન, રેડિયોલોજીસ્ટની પણ જરૂરીયાત છે.
(૧૦) સ્ટાફ (વર્ગ-૩) ની ૩૫ જગ્યામાંથી માત્ર ૨૭ જગ્યાઓ જ ભરેલી છે. બાકીની ૮ જગ્યાએ તત્કાલ સ્ટાફની નિમણુંક કરવી.
(૧૧) સ્ટાફ (વર્ગ-૪) ની ૧૫ જગ્યામાંથી માત્ર ૩ જગ્યાઓ જ ભરેલી છે. બાકીની ૧૨ જગ્યાએ તત્કાલ સ્ટાફની નિમણુંક કરવી.
(૧૨) દાંતના દર્દીઓનો પણ વધુ ઘસારો રહેતો હોવાથી ફૂલ ટાઈમ કાયમી (પર્મનન્ટ) ડેન્ટિસ્ટ ડૉક્ટરોની નિમણુંક કરવી.
(13) વર્તમાન પોસ્ટ મોર્ટમ રૂમ જર્જરીત હાલતમાં છે જેને જનરલ હોસ્પિટલ મુકામે કાર્યરત કરવો.