ઊંઝા : બે વર્ષ અગાઉના મજૂર કામદાર વર્ગના ઇન્ટરવ્યુના ઓર્ડર બાકી છે ત્યાં નવા 22 સફાઈ કામદારોની ભરતી જાહેરાતથી મામલો ગરમાયો

ઊંઝા : બે વર્ષ અગાઉના મજૂર કામદાર વર્ગના ઇન્ટરવ્યુના ઓર્ડર બાકી છે ત્યાં નવા 22 સફાઈ કામદારોની ભરતી જાહેરાતથી મામલો ગરમાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  છેલ્લા કેટલાક સમયથી ઊંઝા નગરપાલિકા વિવાદોના વર્તુળોમાં ફસાઈ છે. જોકે થોડા સમય દિવસો પહેલા ઊંઝા નગરપાલિકાના  જાહેરાતના હોર્ડિંગ્સને લઇને મામલો ગરમાયો હતો. ત્યારે તાજેતરમાં બે વર્ષ અગાઉ થયેલ મજૂર કામદાર વર્ગના ઇન્ટરવ્યુના ઓર્ડર નહિ આપવામાં આવતા એકવાર ફરીથી મામલો ગરમાયો છે. કારણ કે તાજેતરમાં ઊંઝા નગરપાલિકા દ્વારા 22 સફાઈ કામદારો ની નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેને લઇને અગાઉના કામદાર વર્ગ દ્વારા ઓર્ડર આપવાની ઉગ્ર માંગ ઉઠી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ઊંઝા નગરપાલિકાના મજૂર કામદાર વર્ગના ઇન્ટરવ્યૂ બે વર્ષ અગાઉ પૂર્ણ થયા હતા છતાં હજુ સુધી નિમણૂક પત્રો ના ઓર્ડર નથી આપવામાં આવતા ઉગ્ર આક્રોશ સાથે વિરોધનો સૂર ઉઠયો છે. જો સમયસર ઉકેલ નહીં મળે તો અન્યાય સાથે વિરોધ વ્યક્ત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા મામલો ગરમાયો છે.

ઊંઝા નગરપાલિકા માં લગભગ બે વર્ષ અગાઉ મજૂર કામદાર વર્ગ ની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ઇન્ટરવ્યૂ સહિત મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ થયું હોવા છતાં આજ દિન સુધી નિમણૂક પત્રો નહીં આપવામાં આવ્યા હોવાની વ્યાપક રાવ ઉઠી છે. સાથે સાથે તાજેતરમાં નગરપાલિકા તરફથી ફરી 22 સફાઈ કામદારો ની નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેને લઇને અગાઉ ભરતીની પ્રક્રિયામાં મળવાપાત્ર નિમણુક ઓર્ડર ક્યારે મળશે તેને લઈને મજૂર કામદાર વર્ગમાં રોષ છે.જોકે જેતે સમયે ચૂંટણી આચાર સંહિતાના કારણે કામગીરીમાં વિલંબ થયો હોવાનું પાલિકાના વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યું છે. હાલમાં નિમણૂક પત્રો ને લઈને ઉગ્ર બનેલી માગણી આગળ જતા કેવું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું !