મનુષ્યલોકમાં સુખ પ્રદાન કરનારી છ બાબતો કઈ છે

મનુષ્યલોકમાં સુખ પ્રદાન કરનારી છ બાબતો કઈ છે

Mnf network :  જો આપણી આવક અને સંપત્તિ પ્રસન્નતા તથા આંતરિક આનંદ આપી શકે નહીં તો જાણવું કે આપણું મન ભૌતિક સંપત્તિ પાછળ દોડી રહ્યું છે

મહાભારતના ઉદ્યોગપર્વની વિદુરનીતિમાં જે રીતે મનુષ્યના સંપત્તિસર્જનમાં અવરોધ રૂપ બનનારી છ બાબતો જણાવવામાં આવી છે એ જ રીતે સુખ ઉપજાવનારી છ બાબતોનો પણ ઉલ્લેખ છે. આ ઉલ્લેખ નીતિના પ્રથમ અધ્યાયના 87મા શ્લોકમાં આવે છેઃ

अर्थागमो नित्यमरोगिता च प्रिया च भार्या प्रियवादिनी च। 

वश्यश्च पुत्रोऽर्थकरी च विद्या षट् जीवलोकस्य सुखानि राजन्॥ 

અર્થાત્ `હે રાજા, નાણાંની આવક, સદા નિરોગી હોવું, સારા સ્વભાવની અને મીઠું બોલનારી પત્ની મળવી, પુત્ર આજ્ઞાકારી હોવો અને ધન કમાઈ શકાય એવું જ્ઞાન ધરાવવું એ છ બાબતો મનુષ્યલોકમાં સુખ ઉપજાવનારી છે.' 

આપણે યોગિક વેલ્થ સંબંધિત ચર્ચા કરતા હોવાથી આ શ્લોકમાં નાણાંને લગતા જે મુદ્દા છે એની જ વાત કરીશું. જોકે, વાચકોએ પોતાના એકંદર કલ્યાણઅર્થે સંપૂર્ણ શ્લોક લક્ષમાં લેવો, એવું મારું સૂચન છે. 

 ગૃહસ્થીઓના જીવનમાં આવક અને સંપત્તિ એ બંને અગત્યની હોય છે. આપણી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાંની જરૂર પડે છે. ઘર ચલાવવા આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે નાણાંની જરૂર હોય છે. આ જરૂરિયાતો દૈનંદિન હોવાથી આવકનો સ્થિર સ્રોત હોવો જરૂરી છે. એમાં ક્યાંય ગરબડ થઈ જાય તો ચિંતા સર્જાય છે અને એ ચિંતાને પગલે આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં વિક્ષેપ આવે છે. માટે આવકના સ્થિર સ્રોત ઊભા કરવા જોઈએ. 

આવક પછી આવે છે સંપત્તિ. સંપત્તિસર્જનનો ઉદ્દેશ્ય નિયમિત આવક ઘટી જાય અથવા બંધ થઈ જાય એવા સમયે નાણાંની પ્રાપ્તિ કરવાનો હોવો જોઈએ. આવો ઉદ્દેશ્ય હોય ત્યારે મનુષ્ય જો પોતાની જરૂરિયાતો કરતાં વધુપડતી સંપત્તિ એકઠી કરવાની દોડમાં સામેલ થાય તો એનાથી અસલામતી, લોભ, ઈર્ષ્યા, વગેરે દુર્ગુણો બળવાન બને છે. એને લીધે ગુસ્સો, નિરાશા તથા બીજી નકારાત્મક લાગણીઓ ઘર ઘાલી જાય છે. 

ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે હું કહેતો આવ્યો છું કે જો પરિવારમાં નિયમિત સ્થિર આવક ન હોય તો એ ખૂબ જ મોટી સમસ્યા છે. સાથે સાથે એ પણ હકીકત છે કે જો વધુપડતી સંપત્તિ ભેગી થઈ જાય તો એ પણ ઘણી મોટી સમસ્યા છે. કોના માટે કેટલી આવક અને સંપત્તિ પૂરતી છે એનો આંકડો હું નિશ્ચિત કરી શકું નહીં; એ વિષય દરેક વ્યક્તિ અને પરિવારનો છે. તેમની જરૂરિયાતના આધારે જ આ આંકડો તેઓ નક્કી કરી શકે છે. 

આપણે હદ વટાવી દીધી છે કે કેમ એ જાણવું હોય તો એની એક કસોટી છે; આવક અને સંપત્તિને લીધે જો ઈર્ષ્યા અને લોભ જાગતાં હોય તો જાણવું કે ક્યાંક ગરબડ છે. 

યોગિક વેલ્થનો સંબંધ મનુષ્યની પ્રસન્નતા સાથે છે. જો આપણી આવક અને સંપત્તિ પ્રસન્નતા તથા આંતરિક આનંદ આપી શકે નહીં તો જાણવું કે આપણું મન ભૌતિક સંપત્તિ પાછળ દોડી રહ્યું છે. 

ભૌતિક સંપત્તિ હંમેશાં ક્ષણિક હોય છે. એને પામવાની ઇચ્છાનો ક્યારેય અંત આવતો નથી. આમ થવાનું કારણ એ છે કે ભૌતિક સંપત્તિ ક્યારેય શાશ્વત સુખ આપી શકતી નથી. 

`મારી પાસે પૈસા છે એટલે હું છૂટથી વાપરું છું,' એવું કહેનારા લોકો પ્રત્યે મને દયા ઊપજે છે. તેઓ પૈસા ખર્ચીને સુખ મેળવવા માગે છે, પરંતુ હકીકતમાં સુખ મનુષ્યના મનમાંથી પ્રગટે છે; ભૌતિક ચીજવસ્તુઓથી પ્રાપ્ત થતું નથી.