મન પરમેશ્વર રૂપ શુદ્ધ બની જાય તો આપણી ચોતરફ પરમેશ્વર જ હશે
Mnf network: કહેવત છે કે `વાળ્યા ન વળે તે હાર્યા વળે' પશ્ચિમના લોકો ભૌતિકતામાં સુખ શોધવા ઘણા સમયથી મથી રહ્યા છે, પરંતુ તેમાં માત્ર સગવડોનું સુખ જ હાથ લાગ્યું છે, સાચી શાંતિ મળી નથી. તેથી તેમના પૈકીના ઘણા હવે આપણી સંસ્કૃતિ તરફ વળવાની શરૂઆત કરી રહ્યા છે.
પ્રો. ઉમર્સને કહ્યું છે કે `વેદો જ આપણા જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. યુરોપનાં બધાં દર્શનો અને વિજ્ઞાન તેની આગળ તુચ્છ છે. એટલા માટે વેદોનું અનુસરણ કરો.' આપણાં શાસ્ત્રોના મહામૂલા ઉપદેશોથી આપણે સૌ પણ પૂરતા વાકેફ નથી. રાજસિક વલણ ધરાવતા આપણે સૌ આ સાત્ત્વિક વાતો સાંભળવામાં હવે રસ ગુમાવી બેઠા છીએ, કારણ કે આપણને રાજસિક અને તામસિક જીવન જીવવાનો નસો લગભગ ભરખી રહ્યો છે. જે યજુર્વેદ 12/76માં થયેલા ઉલ્લેખના સંદર્ભમાં આપણી જીવનશૈલી તપાસતાં જણાશે. તેમાં કહ્યું છે કે `ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મુખ્ય સાધન મનુષ્યનું શરીર છે. એટલા માટે યોગ્ય આહાર, સંયમિત વિહાર અને વર્તનમાં કલ્યાણભાવનું ધ્યાન રાખીને પોતાના આરોગ્યને સ્થિર રાખવું જોઈએ. નિરોગી શરીર જ સર્વ સુખોનું મૂળ છે.' માનવજીવનના સમગ્ર હાર્દને સમજાવતી આ ઋચા ઘણી જ મૂલ્યવાન છે, પરંતુ આપણે સૌએ તેનાથી જુદી દિશામાં ઝડપભેર દોટ મૂકવાનું શરૂ કરી દીધું છે અને વિનાશના આરે પહોંચવાની ઉતાવળ કરી રહ્યા છીએ.
આપણી આ કફોડી કહી શકાય તેવી પરિસ્થિતિમાંથી આપણને માત્ર અને માત્ર ધ્યાન જ બચાવી શકશે, કારણ કે આપણે ઘણા આગળ નીકળી જઈ રહ્યા છીએ. ત્યાં કોઈ ઉપદેશ કે કાયદાની લગામ પણ પરિણામલક્ષી સાબિત થઈ શકે તેમ નથી. માત્ર અને માત્ર અંદરની, આત્માની સૂઝ અને સમજ જ ફળદાયી નીવડી શકશે. ઋચામાં યોગ્ય આહાર, સંયમિત વિહાર અને વર્તનમાં કલ્યાણભાવને સ્થિર રાખીને પોતાના આરોગ્યને સ્થિર રાખવાની ઊંચી ભાવના અને ભાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે સૌ તેનાથી તદ્દન વિરુદ્ધની દિશામાં ઝડપભેર પ્રયાણ કરવા મન મનાવીને બેઠા છીએ. વાળ્યા ન વાળવાની મર્યાદાની નજદીકી સુધી પહોંચી ગયા છીએ. તેથી હવે હારીને પણ વળીએ તેના માટે ધ્યાનનો જ આખરી ઉપાય અજમાવવાનો વિકલ્પ બાકી છે. ધ્યાનનો જાદુ રાતોરાત પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે, કારણ કે તેનાં મૂળ જાગ્રત મનને ભેદીને અર્ધજાગ્રત મનની ધરાને ભેદવાની કીમિયાગીરીમાં માહેર છે.
ધ્યાન સાથે આપણે નાતો રાખ્યો નથી તેથી કામ, ક્રોધ, મદ, લોભ અને મત્સર એ તેમનું સામ્રાજ્ય ચારેય તરફ ફેલાવવા માંડ્યું છે. પરિણામે આપણા સૌના શરીરને ચલાવવાની જવાબદારીનું ભારણ ધરાવતા આપણા અર્ધજાગ્રત મન પર અનેક ગણો વધુ ભાર ખેંચવાની જવાબદારી આવી છે. આપણા શરીરનાં બધાં જ તંત્રો તેમના પરના વધુ બોજને કારણે ખોડંગાતાં અને હાંફતાં હાંફતાં ચાલે છે તેથી ડાયાબિટીસ, એસિડિટી, બી.પી. કે ડિપ્રેશનને નછૂટકે આમંત્રણ આપી બેસે છે. જાણે એમ લાગે છે કે લોજ-હોટલ, ખાણીપીણીવાળા, સ્વાસ્થ્યના ઉપચાર સાથે સંકળાયેલા સૌ તાલમેલમાં ચાલી રહ્યા છે. આપણને આપણી તંદુરસ્તીની પરવા નથી તેથી જ કદાચ તે સૌ પણ આપણને માનવી તરીકે નહીં, પરંતુ માત્ર ગ્રાહક તરીકે મૂલવી રહ્યા છે. એક ટોચની સંસ્થાએ `કરવામાં આવતાં ઓપરેશન પૈકી 40% મોટાભાગે બિનજરૂરી રીતે કરવામાં આવતાં હોવાનું' કહ્યું છે. ધ્યાનના અભાવે આપણા સૌનો આત્મા લગભગ મરી પરવાર્યો છે. ચો-તરફ ઘોર અંધકાર દેખાય છે. ત્યારે તેમાંથી બચવા આપણે આપણાથી અને આપણાં કુટુંબથી શરૂ કરવા, ધ્યાનના દીપનો આશરો ઝડપથી લેવાનું શરૂ કરવું પડશે. દીપ સે દીપ જલેંની દિશામાં આગળ વધીશું તો આ દેશનો માટીનો કણેકણ તેમાં સૂર અવશ્ય પુરાવશે અને જોતજોતામાં તો ધ્યાનભૂખી હવા તેની જ્વાળાને પકડી લેશે અને ઉજાશ બની સમગ્ર દેશમાં પથરાઈ જશે. જરૂર છે મક્કમ સંકલ્પની. ભગવાન અવતાર લઈને આવે કે ન આવે ધ્યાનથી આપણે આપણા અંદરના અંગત ભગવાનને જગાડીએ. આ આત્માને પરમાત્મા સાથે જોડતાં જ ધ્યાનની ચિનગારી એક મહાનલમાં અવશ્ય ફેરવાઈ જશે.
બે આંખની શરમ રાખવાનું મોટા ભાગે સૌ ભૂલી ગયા છીએ. ત્યારે આપણી ત્રીજી આંખને સંકોરવામાં અને પ્રજ્વલ્લિત કરવામાં હવે વિલંબ ન કરીએ. સંત કબીરે કહ્યું છે કે `પરમેશ્વર મન કહત હૈ, પરમેશ્વર મન આહિં, મન પરમેશ્વર હૈ રહા, શીશ નમાવો કાહી' મનની શુદ્ધ અવસ્થા મહાસમર્થ છે. મન પરમેશ્વર રૂપ શુદ્ધ બની જાય તો આપણી ચોતરફ પરમેશ્વર જ હશે અને સિદ્ધિ હાથવેંતમાં હશે.