ખળભળાટ / ભુપેન્દ્ર પટેલની સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી એકાએક કેમ છીનવાઈ લેવાયા ખાતાઓ ? જાણો હકીકત
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી ટીમના મંત્રીઓએ થોડા સમય પહેલા મંત્રીપદના શપથ લીધા હતા. જેમાં સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા હતા. ત્યારબાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા હતા. 10 કેબિનેટ કક્ષાના અને 14 રાજ્યકક્ષાના મંત્રીઓએ નવી સરકારમાં શપથ લીધા હતા અને તેમને વિભાગોની વહેંચણી કરવામાં આવી હતી.
જેમાં રાજેન્દ્ર ત્રિવેદીને મહેસુલ ખાતુ અને પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન વિભાગ ખાતાની સાપણી કરી કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારે આજે એકાએક રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ પાછું લેવાયું હોવાની માહિતી મળી રહી છે. આ બન્ને ખાતા અન્ય બે નેતાઓને સોંપવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગ સોંપવામાં આવ્યો છે, જ્યારે જગદીશ પંચાલને માર્ગ મકાન ખાતુ સોંપવામાં આવ્યું છે.
જોકે ભુપેન્દ્ર પટેલની સરકારમાં એકાએક કેબિનેટ કક્ષાના મંત્રીઓ પાસેથી ખાતાઓ છીનવી લઈ અને અન્ય મંત્રીને સોંપવાની આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે અને તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે હાલની ભુપેન્દ્ર પટેલની સરકારમાં ક્યાંક ને ક્યાંક સુરતના ધારાસભ્ય અને ગૃહરાજ્યમંત્રી એવા હર્ષ સંઘવીનું કદ ઘણું વધી રહ્યું હોય તેવું લાગે છે. એટલું જ નહીં પરંતુ આ બંને કેબિનેટ મંત્રીઓ પાસેથી એકાએક શા માટે ખાતાઓ છીનવી લેવામાં આવ્યા? શું તેમની કામગીરી નબળી હતી ?એને લઈને પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
અત્રે નોંધનીય છે કે રાજેન્દ્ર ત્રિવેદી જ્યારે મહેસુલ મંત્રી બન્યા હતા ત્યારે શરૂઆતમાં તેમણે અનેક કચેરીઓમાં જઈ અને પોતે એક સુપર પાવર મંત્રી હોવાના ડોળ રચ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની આ રૂવાબ જમાવવાની કામગીરી ખરેખર દીવા પાછળ અંધારું સાબિત થઈ હતી. મહેસુલ વિભાગની કામગીરીને લઈને કરાયેલ રજૂઆતો છતાં પણ સંતોષકારક કામગીરી જોવા મળી ન હતી. એટલું જ નહીં રાજેન્દ્ર ત્રિવેદી ને ફોન કરવામાં આવે તો પણ ટેલીફોનિક જવાબો સાંપડતા ન હતા. તો બીજી બાજુ પૂર્ણ મોદી દ્વારા રોડ રસ્તા ઉપર પડેલા ખાડાને લઈને એક અભિયાન હાથ ધરાયું હતું. જોકે શરૂઆતમાં તે અસરકારક રહ્યું હતું.