સી.આર.પાટીલ અને મેયર હેમાલી બોઘાવાલા સહિત ભાજપના નેતાઓ એ કોરોના ગાઈડ લાઇનનો કર્યો ભંગ, સોશ્યલ મીડિયામાં ચર્ચા : શુ કોઈ પગલાં લેવાશે ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સરકાર અને ભાજપના નેતાઓ માસ્ક અને સોશિયલ distance વિશે લોકોની સુફિયાણી સલાહ આપતા હોય છે પરંતુ પોતે જ સલાહનું પાલન ન કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે તાજેતરમાં સુરતમાં આંબેડકર જયંતિની ઉજવણીમાં ફોટોશૂટ કરાવીને ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હોવાની તસવીરો સામે આવી છે. ત્યારે સોશિયલ મીડિયામાં એવી ચર્ચા જાગી છે કે શું આ નેતાઓને કોઈ નિયમો લાગુ પડતા જ નથી ? શું આ નેતાઓ સરકાર થી ઉપર છે ?
સુરત રિંગ રોડ માન દરવાજા પાસે ડો.બાબા સાહેબ આંબેડકરના પૂતળાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે હરખપદૂડા થઈને ભાજપના નેતાઓ પહોંચી ગયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા પણ તેમજ અન્ય ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટરો પહોંચ્યાં હતાં. કાર્યક્રમ સ્થળ ઉપર મોટી સંખ્યામાં એકત્રિત થઈને જાણે કોરોના સંક્રમણ ફેલાવવાનો સંકલ્પ કરી લીધો હોય તે રીતે વર્તી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણી સતત લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી રહ્યા છે. પરંતુ એ અપીલ માત્રને ભાજપના જ નેતાઓ ઘોળીને પી જતા હોય તેવું સામે આવ્યું છે.
હેમાલી બોઘાવાળા કોરોના સંક્રમિત થઈને સારવાર લઈને હમણાં જ સાજા થયા છે, છતાં પણ રાજકીય નેતાની જે તે વર્ગના લોકોને ખુશ કરવા માટે ની તાલાવેલીએ તેમને કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવા માટે મજબૂર કરી દે છે. શહેરના પ્રથમ નાગરિકની આ પ્રકારની બેદરકારી શહેરીજનો માટે શું બોધપાઠ આપે છે ,તે એક મોટો પ્રશ્ન છે. લોકો ગંભીરતાથી લે છે જ્યારે તેમનું નેતૃત્વ તે બાબતે વધુ ગંભીર હોય છે. શહેરના મેયર જ આ પ્રકારે સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરે તો અન્ય સામાન્ય પ્રજા પાસેથી તેના પાલનની આપણે કેટલી અપેક્ષા રાખી શકીએ.