Breaking: સિધ્ધપુરના ધારાસભ્ય એવા મંત્રી બળવંતસિંહ રાજપૂતે વાહન વ્યવહાર મંત્રીને લખ્યો પત્ર : હજારો મુસાફરોને મળશે લાભ
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વાહન વ્યવહાર મંત્રીને લખ્યો પત્ર
ખળી ચાર રસ્તા ઉપર એસ.ટી કંટ્રોલ પોઇન્ટ કાર્યરત કરાવવા કરી માંગ
અગાઉ જાગૃત નાગરિક દ્વારા એસટી વિભાગને ખળી ચાર રસ્તા પર તમામ એસટી બસો થોભાવવા કરાઈ હતી રજૂઆત
પાલનપુર ડિવિઝન કંટ્રોલર દ્વારા તમામ એસટી બસો ખળી ચાર રસ્તા પર થોભાવવા આપવામાં આવ્યો હતો આદેશ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : સિધ્ધપુર ખળી ચાર રસ્તા પર હાલમાં એસ.ટી પીક અપ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ મુસાફરોનો ઘસારો જોતા અહીં કંટ્રોલ પોઈન્ટ કાર્યરત કરવાની માંગ ઉઠતાં સિધ્ધપુરના ધારાસભ્ય એવા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને અહીં કંટ્રોલ પોઇન્ટ કાર્યરત કરાવવા માગણી કરી છે.
સિધ્ધપુર ખળી ચાર રસ્તા એ પાટણ-કચ્છ, પાલનપુર-આબુ, ખેરાલુ-અંબાજી અને અમદાવાદ તરફ જવાનું મુખ્ય મથક છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો નો ઘસારો રહેતો હોય છે. ઉપરાંત આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને ધંધાર્થે જનારા લોકો દરરોજ અહીં આવતા હોય છે. હાલમાં અહીં પીકઅપ સ્ટેન્ડ કાર્યરત છે.
પરંતુ મુસાફરોનો ઘસારો અવિરત રહેતો હોવાને કારણે અહીં કંટ્રોલ પોઇન્ટ ફાળવવામાં આવે તો તમામ બસો સ્ટોપ થાય અને મુસાફરોને તેનો મોટા પ્રમાણમાં લાભ મળી શકે છે. વળી અહીં કંટ્રોલ પોઇન્ટ શરૂ થાય તો આજુબાજુના વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે સિધ્ધપુર સુધી જવું ન પડે આ ઉપરાંત ઓનલાઈન એસ.ટી.બુકિંગ પણ અહીંથી થઈ શકે. તેમજ રાત્રિના સમયે દૂરથી આવતા મહિલા મુસાફરો અહીં ઉતરે તો કોઈપણ પ્રકારનો ભય કે ડર રહે નહીં અને સલામતીનો અહેસાસ કરી શકે.