બૅન્કોમાં ફાઇવ ડે વર્કિંગ થવાથી વેપારમાં થશે મુશ્કેલી
Mnf network: ઈન્ડિયન બૅન્ક અસોસિએશન (આઇબીએ)એ કેન્દ્ર સરકારને બીજા અને ચોથા શનિવારને બદલે મહિનાના ચારેય શનિવાર બૅન્ક બંધ રાખવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. સરકાર જો આ પ્રસ્તાવ સ્વીકારશે અને મહિનામાં આઠ દિવસ બૅન્ક બંધ રહેશે તો વેપાર કરવાનું મુશ્કેલ બની જશે એમ વેપારીઓનું કહેવું છે. કૅટ સહિતનાં વેપારી અસોસિએશનોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.
બૅન્કોમાં અત્યારે બીજા અને ચોથા શનિવારે રજા હોય છે એટલે મહિનામાં છ દિવસ બૅન્કો બંધ હોય છે.
એમાં જો વધુ બે દિવસ રજા રાખવામાં આવશે તો વેપારીઓનાં ટ્રાન્ઝૅક્શન્સને અસર થવાની શક્યતા છે. મહિનાના બીજા અને ચોથા શનિવારે બૅન્કો બંધ હોય છે એમાં પણ કામકાજને અસર પહોંચી રહી છે. એમાં પણ બીજા અને ચોથા અઠવાડિયામાં શુક્રવારે કે સોમવારે બૅન્ક હૉલિડે આવતો હોય ત્યારે સળંગ ત્રણ દિવસ બૅન્ક બંધ રહે છે ત્યારે તો ખૂબ જ પરેશાની થાય છે. મોટા ભાગના વેપારીઓ આજે પણ કૅશમાં ધંધો કરે છે અને તેમણે માલ ખરીદ્યો હોય છે તેમને ચેકથી પેમેન્ટ કરવાનું હોય છે એટલે બૅન્કમાં કૅશ જમા કરવામાં વિલંબ થાય તો વેપારને અસર થાય છે. મહિનામાં આઠ દિવસ બૅન્ક બંધ રાખવાનો નિર્ણય વેપારીઓની સાથે કેન્દ્ર સરકારના હિતમાં પણ નથી.’
કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅટ)એ પણ બૅન્કના અસોસિએશને કેન્દ્ર સરકારને મોકલેલા પ્રસ્તાવનો વિરોધ કર્યો છે અને આ પ્રસ્તાવને રદ કરવાની માગણી કરી છે અને પાંચ દિવસ જ નહીં પણ સાતેય દિવસ બૅન્ક ખૂલી રાખવાની માગણી કરી છે.