સુરત : સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર મુસાફરોનું ભારણ ઘટાડવા મહત્વનો નિર્ણય : સૌરાષ્ટ્ર વાસીઓને થશે મોટો ફાયદો
1952માં રેલવે સ્ટેશન બન્યું ત્યારે સુરતની વસ્તી સવા બે લાખ હતી, હવે 75 લાખ છે
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરત રેલવે સ્ટેશન ઉપરનું ભારણ ઓછું કરવા માટે ઉત્રાણ, ઉધના અને ભેસ્તાન રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. સુરતનું હાલનું રેલવે સ્ટેશન 1952માં બન્યું હતું. તે સમયે સુરતની વસ્તી સવા બે લાખ હતી. હવે સુરતની વસ્તી 75 લાખ થવા જઈ રહી છે. સુરત રેલવે સ્ટેશન ૫૨ માત્ર ચાર પ્લેટફોર્મ છે અને રોજ 1.75 લાખ પ્રવાસીઓ સુરત રેલવે સ્ટેશનનો ઉપયોગ કરે છે. ત્યારે હાલનું રેલવે સ્ટેશન નાનું પડે છે. સુરત રેલવે સ્ટેશન એવા ભૌગોલિક વિસ્તારમાં છે જેથી તેનો વિસ્તાર કરી શકાય તેમ નથી. તેથી આસપાસના રેલવે સ્ટેશનનો વિકાસ જ એક માત્ર વિકલ્પ છે. હાલમાં ઉધના રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં કરવામાં આવી રહ્યો છે.
ઉધના રેલવે સ્ટેશન પર પાંચ પ્લેટફોર્મ છે. અહીં વધુ એક પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને પાંચેક વર્ષ પછીની સંભાવના અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉધના ગુડ્સ યાર્ડ નિયોલમાં ખસેડીને તે જગ્યા પર 4 પ્લેટફોર્મ બનાવવામાં આવશે. ઉપરાંત ભેસ્તાનમાં હાલમાં બે પ્લેટફોર્મ છે. ત્યાં વધુ એક-એક પ્લેટફોર્મ બનાવવામાં આવી શકે છે. ઉપરાંત ઉત્રાણ રેલવે સ્ટેશનને પણ ડેવલપ કરવાનું રેલવેનું પ્લાનિંગ છે.
જેથી ગુજરાતની ખાસ કરીને સૌરાષ્ટ્રની તમામ ટ્રેનોને ઉત્રાણમાં હોલ્ટ આપવામાં આવે તો સુરત રેલવે સ્ટેશન પર ધસારો ઓછો કરી શકાય છે. કારણ કે ઉત્રાણ, અમરોલી, કોસાડ, છાપરાભાઠા, ભરથાણા, ઉત્રાણ, ગોથાણગામ, સાયણ, મોટા વરાછા, વેલંજા વિસ્તારમાં લાખો સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. તેઓ તમામ સુરત રેલવે સ્ટેશન આવે છે જો ઉત્રાણ રેલવે સ્ટેશનને ડેવલપ કરીને ત્યાં સૌરાષ્ટ્રની તમામ ટ્રેનોને હોલ્ટ આપવામાં આવે તો તે વિસ્તારના લોકો સુરત રેલવે સ્ટેશન પર આવશે નહીં. આસપાસના રેલવે સ્ટેશનનો વિકાસ થવાથી સુરત રેલવે સ્ટેશન પર જે પાર્કિંગની સમસ્યા છે તે પણ દૂર થશે.