ઊંઝા : બ્રાહ્મણવાડા માં ગણપતિ પ્રતિષ્ઠા મહોત્સવમાં એકાએક થયો બ્લાસ્ટ, 40 થી વધુ દાઝ્યા

ઊંઝા : બ્રાહ્મણવાડા માં ગણપતિ પ્રતિષ્ઠા મહોત્સવમાં એકાએક થયો બ્લાસ્ટ, 40 થી વધુ દાઝ્યા

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે ગણપતિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આજે લાભ પાંચમના દિવસે ફટાકડાઓની આતશબાજી દરમિયાન આગનો તણખો બાળાઓ જ્વલનશીલ વાયુ ભરેલા 1 હજાર જેટલા ફુગ્ગાઓ પકડીને ઉભી હતી તેની પર પડતાં એકાએક મોટો બ્લાસ્ટ થયો હતો જેને પરિણામે 30 જેટલી બાળાઓ ઉપરાંત અન્ય કુલ મળીને 40 થી વધારે લોકો દાઝ્યા હતા.

ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ખાતે 16 નવેમ્બર થી 18 નવેમ્બર દરમિયાન યોજાયેલ ગણપતિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આજે લાભ પાંચમને પૂર્ણાહુતિના દિવસે મૂર્તિ સ્થાપન કાર્યક્રમ 12.39 યોજાવાનો હતો.તે દરમિયાન 30 જેટલી દીકરીઓ હાથમાં જ્વલનશીલ વાયુ ભરેલા ફુગ્ગાઓ લઈને સ્વાગત માટે ઉભી હતી ત્યારે યુવકો દ્વારા આશરે 12.15 કલાકે ફટાકડા ફોડીને આતિશબાજી શરૂ કરવામાં આવી તે દરમિયાન ફટાકડા નો તણખો ઉડીને ફુગ્ગા ઉપર પડતાં આંખના પલકારામાં બ્લાસ્ટની ઘટના બની હતી. 

અત્રે નોંધનીય છે કે દીકરીઓ જ્યાં ફુગ્ગા લઈને ઉભી હતી ત્યાં જ યુવકો દ્વારા ફટાકડાની આતશબાજી શરૂ કરવામાં આવી હતી. જેને પરિણામે બનેલી બ્લાસ્ટની ઘટનામાં આશરે 30 જેટલી દીકરીઓ ઉપરાંત આજુબાજુ ઉભેલા મળી 40 થી વધારે લોકો દાઝ્યા હતા અને ભારે દોડધામ મચી હતી. ત્યારે બ્લાસ્ટને કારણે દાઝી ગયેલ દીકરીઓને ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાંથી પ્રાથમિક સારવાર આપીને તેમને મહેસાણા લાયન્સ તેમજ પાટણ ધારપુર સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

બ્લાસ્ટનો વિડિયો થયો વાયરલ...

બ્રાહ્મણવાડા ખાતે બનેલી આ બ્લાસ્ટની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જે જગ્યાએ દીકરીઓ હાથમાં ફુગ્ગા લઈને ઉભી છે તેની નજીકમાં એક યુવક દ્વારા ફટાકડા ફોડીને આતશબાજી શરૂ કરવામાં આવી છે.ત્યારે ફટાકડા નો તણખો ઉડીને ફુગ્ગા પર પડતા આંખના પલકારામાં બ્લાસ્ટ થયો હતો જેમાં 30 જેટલી ફુગ્ગા પકડીને ઊભેલી દીકરીઓ હાથ ઉપરાંત શરીરના વિવિધ ભાગો ઉપર દાઝી હતી તેમજ ફુગ્ગાના રબર તેમના શરીરે ચોટી ગયા હતા.

ઊંઝા પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી

બ્રાહ્મણવાડા ખાતે બનેલી બ્લાસ્ટની ઘટનાના સમાચાર મળતાની સાથે જ ઊંઝા પીઆઇ દરજી સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્યાં જઈ પ્રાથમિક માહિતી મેળવીને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી જેમાં તેમના દ્વારા ઘટનાનું પંચનામું કરી બ્લાસ્ટ અંગેના નમુનાઓ એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરી છે.