Breaking: CM ભુપેન્દ્ર પટેલના વિધાનસભા વોર્ડના ભાજપ કોર્પોરેટરે એકાએક કેમ આપી દીધું રાજીનામું ? કારણ છે ચોંકાવનારું

Breaking: CM ભુપેન્દ્ર પટેલના વિધાનસભા વોર્ડના ભાજપ કોર્પોરેટરે એકાએક કેમ આપી દીધું રાજીનામું ? કારણ છે ચોંકાવનારું

અમદાવાદ શહેર ભાજપના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા ઘાટલોડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે કોર્પોરેટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. મનોજ પટેલ હવે કોર્પોરેટર રહેવા માગતા નથી.તેઓ છેલ્લા છ મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજર રહ્યા નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત ગેરહાજરીના પગલે તેઓને કોર્પોરેટર પદેથી રદ કરવામાં આવે તે પહેલાં જ તેઓએ રાજીનામુ આપી દેતા શહેર ભાજપ કોર્પોરેટરો અને અધિકારીઓમાં ચર્ચા જાગી છે. કોર્પોરેટર મનોજ પટેલે પોતાનું રાજીનામું શાસક પક્ષના નેતાને આપી દીધું છે. આ રાજીનામું મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર મનોજ પટેલે પોતાના અંગત કારણોસર કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દીધું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરને રાજીનામાનો પત્ર પણ સોંપી દેવામાં આવ્યો છે.

કોર્પોરેટર મનોજ પટેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં છેલ્લા કેટલાય મહિનાથી હાજર રહેતા નહોતા. જીપીએમસી એક્ટ પ્રમાણે જો કોઈ કોર્પોરેટર છ મહિના સુધી સામાન્ય સભામાં હાજરી ન આપે તો તેને કોર્પોરેટર પદેથી ડીસ્કોલિફાઈ કરવામાં આવે છે. છેલ્લા કેટલાય મહિનાથી હાજર ન રહેતા મનોજ પટેલને AMC અને પક્ષ તરફથી જાણ કરવામાં આવી હતી પરંતુ તેઓ આવતા ન હતા. જો ભાજપના કોર્પોરેટરને પદ પરથી ડીસ્કોલિફાઈ કરવામાં આવે તો છબી ખરડાઈ શકે જેથી મનોજ પટેલનું રાજીનામું જ લઈ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.