Exclusive : ખોડલધામ ખાતે મળનાર પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓની બેઠક પૂર્વે ઉમિયાધામના ટ્રસ્ટીનું મહત્વનું નિવેદન, જાણો શુ કહ્યું
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : 2022 ની વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આવતીકાલે ખોડલધામમાં પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાઓ ના વડાઓ એક મંચ પર ભેગા થવા જઈ રહ્યા છે જેને લઇને ગુજરાતના રાજકારણ માં પણ અનેક ચર્ચાઓ જાગી છે.
ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવી રહ્યો છે. વર્ષો બાદ લેઉવા અને કડવા પાટીદાર સમાજ એક મંચ પર બેઠક જોવા મળશે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો એક મંચ પર આવતા ગુજરાતની રાજનીતિમાં મોટો સંયોગ પેદા થશે. 12 જૂનના દિવસે યોજાનારી આ બેઠકમાં લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનો હાજર રહેશે. આ બેઠક ખોડલધામ કાગવડ ખાતે સવારે 10 કલાકે યોજાશે. ગુજરાતમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ વચ્ચે મહત્વની બેઠક છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા આ અંગે ઉમિયાધામના અગ્રણી દિલીપભાઈ નેતાજીને પૂછવામાં આવ્યું કે આ બેઠકનો હેતુ શું હોઇ શકે છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે, " આ બેઠકમાં પાટીદાર સમાજની સંસ્થાઓના અગ્રણીઓ એક મંચ પર ભેગા થશે અને પાટીદાર સંગઠનને મજબૂત બનાવવા માટેની ચર્ચાઓ થઇ શકે છે. દરેક ક્ષેત્રમાં પાટીદાર સંગઠન મજબૂત બને તે માટે વિચારવિમર્શ કરવામાં આવશે." જોકે નેતાજી ના આ નિવેદનનું અર્થઘટન એવું પણ કરી શકાય કે પાટીદાર સંગઠન દરેક ક્ષેત્રમાં મજબૂત બને તે માટે વિચાર વિમર્સ થઈ શકે છે ત્યારે આગામી 2022 થી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ક્યાંક ને ક્યાંક પાટીદાર પાવર ને પુનઃ મજબૂત કરવાના પ્રયાસો અંગેની પણ ચર્ચા થાય તો નવાઇ નહી !
બેઠકમાં ઉપસ્થિત રહેનાર આગેવાન
1. નરેશ પટેલ
2. મથુર સવાણી, સુરત
3. લવજી બાદશાહ, સુરત
4. જયરામ પટેલ, સીદસર મંદિર
5. દિલીપ નેતા , ઊંઝા મંદિર
6. વાસુદેવ પટેલ, સોલા ઉમિયા કેમ્પસ
7. રમેશ દૂધવાળા, સોલા ઉમિયા કેમ્પસ
8. આર.વી પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
9. ગગજી સુતરીયા, સરદાર ધામ
10. દિનેશ કુંભાણી, ખોડલધામ ટ્રસ્ટી