ઊંઝાના નિષ્ણાત તબીબે હાર્ટ એટેક મુદ્દે આપી મહત્વની સલાહ : ગરબા રમતા ખેલૈયાઓ આટલી બાબતોનું રાખજો ધ્યાન
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : હાલમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબાઓના તાલે ઝૂમી રહ્યા છે. ત્યારે બીજી બાજુ આકસ્મિક હૃદય રોગના હુમલાની ઘટનાઓ પણ અવારનવાર બની રહી છે જેને લઈને અનેક નિષ્ણાત ડોક્ટરો દ્વારા એક ચોક્કસ એડવાઈઝરી આપવામાં આવી છે. ત્યારે ઊંઝાની સુવિધા હોસ્પિટલના નિષ્ણાત કન્સલ્ટિંગ ફિઝિશિયન ડો.અશ્વિનભાઈ પટેલ દ્વારા પણ નવરાત્રી દરમિયાન કઈ બાબતોનું ધ્યાન ખેલૈયાઓએ રાખવું જોઈએ તેને લઈને કેટલીક મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે કોરોના કાળમાં પણ સુવિધા હોસ્પિટલના નિષ્ણાત કન્સલ્ટિંગ ડોક્ટર અશ્વિનભાઈ પટેલ દ્વારા લોકો ની 24 કલાક તબીબી સેવા પૂરી પાડવામાં આવી હતી તેમજ ખુદની પરવા કર્યા વગર લોકોની કપરા કાળમાં કોરોના માંથી ઉગારવામાં અશ્વિનભાઈ પટેલે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
યંગ જનરેશન માં વધી રહેલા હાર્ટ એટેકના કેસોને લઈને ડોક્ટર અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં લોકોની લાઈફ સ્ટાઈલ તેમજ બહારના જંકફૂડ જે ખાવામાં આવે છે તે પણ કઈક અંશે ભાગ ભજવતા હોય છે.
સલાહ આપતા તેમણે જણાવ્યું હતું કે સૌપ્રથમ દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા જાણી લેવી જોઈએ. જો ડાયાબિટીસ જેવી કોઈપણ બીમારી હોય તો ક્ષમતા મુજબ જ ગરબા રમવા જોઈએ. જો ગરબા રમતી વખતે કોઈ પણ પ્રકારની ગભરામણ કે બેચેની જેવું લાગે તો તાત્કાલિક ગરબા રમવાનું બંધ કરીને કન્સલ્ટિંગ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બીજું કે ગરબા રમનારા ખેલૈયાઓએ ગરબા રમતા પહેલા ભરપેટ ભોજન ન કરવું જોઈએ.આ સમય દરમ્યાન સતર્કતા અને સાવધાની જ સ્વાસ્થ્ય માટે મહત્વની છે.