Exclusive : રૂપાણી સરકારના મંત્રી મંડળની અટકળો તેજ : ક્યા નવા ચહેરાઓને મળશે સ્થાન ? કોને મૂકાશે પડતા ? જાણો
કોંગ્રેસ માંથી પક્ષ પલટો કરી ભાજપમાં આવેલા ધારાસભ્યોને મંત્રીમંડળમાં મળશે સ્થાન ?
ચાર જેટલા નવા ચહેરાઓને મળી શકે છે સ્થાન
ઉત્તર ગુજરાતના એક ધારાસભ્યને મળી શકે છે સ્થાન
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક મળી હતી. કમલમ ખાતે પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં કોર કમિટીની બેઠક મળી છે. જેમાં CM રૂપાણી, DyCM નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં યોજાઈ હતી. બેઠકમાં પદાધિકારીઓએ કરેલા કામની વિગતો રજૂ કરી હતી. કોરોનાકાળમાં સંગઠનના કામને લઈ બેઠકમાં ચર્ચા થઈ હતી. જોકે હવે એવી અટકળો ચાલી રહી છે કે વિધાનસભાની ચૂંટણી પૂર્વે રૂપાણી સરકાર ના મંત્રી મંડળનું વિસ્તરણ થઇ શકે છે જેમાં ચાર જેટલા મંત્રીઓને પડતા મૂકવામાં આવે તો ત્રણ જેટલા નવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે.
ભાજપમાં ચાલતી અટકળો મુજબ રૂપાણી સરકારમાં મજબૂત બ્રાહ્મણ ચહેરા તરીકે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કેબિનેટમાં સમાવીને તેમના સ્થાને સિનિયર કેબિનેટ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને બેસાડાશે. જ્યારે સૌરાષ્ટ્ર- ઉત્તરગુજરાતના અનૂસુચિત જાતિ- ST સમાજની અપેક્ષાઓને ધ્યાને લઈને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારના સ્થાને અગાઉ આ વિભાગને સંભાળી ચૂકેલા આત્મરામ પરમારને પુનઃનિયુક્ત કરાય તો નવાઈ નહી. જ્યારે તબિયતના કારણોસર મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને સુરતમાં સૌરાષ્ટ્રીયન વિસ્તારોમાં આમ આદમી પાર્ટી સામે ભાજપના પ્રભાવને જાળવી રાખવામા નિષ્ફળ રહેલા રાજ્યકક્ષાના કુમાર કાનાણીને પણ પડતા મુકાય તો નવાઈ નહી. જ્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કેબિનેટમાં પ્રમોશન સાથે મંત્રીમંડળના વિસ્તરણમાં ચારથી પાંચ જેટલા નવા ચહેરાને સ્થાન આપવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.
બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે જો આ વખતે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એક પણ ધારાસભ્ય ને મંત્રીમંડળમાં સ્થાન ન અપાય પરંતુ મૂળ ભાજપના જ ધારાસભ્યો ને મંત્રીમંડળમાં સ્થાન અપાશે. બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો ઉત્તર ગુજરાત માંથી મહેસાણા જિલ્લાના મૂળ ભાજપના કોઈ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જો કે, મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે થશે તે સંદર્ભે દિલ્હીથી આવેલા પ્રભારીનો પ્રવાસ પૂર્ણ થયા બાદ હાઈકમાન્ડને રિપોર્ટ રજૂ થયાના આધારે નિર્ણય લેવાશે.