લ્યો બોલો ! ઊંઝા નગરપાલિકામાં કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડવા કોઈ ઉમેદવાર જ તૈયાર નથી !
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝા નગરપાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માં ભારે રસાકસી જોવા મળી રહી છે. જોકે ઊઝા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો સમરસ બનાવવા માટે કવાયત હાથ ધરાઇ છે ત્યારે ચોંકાવનારી હકીકત એવી બહાર આવી છે કે ઊંઝામાં છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસના મેન્ડેટ પર કોઈપણ ઉમેદવાર નગરપાલિકાની ચૂંટણી લડતો નથી.
આ અંગે કોંગ્રેસના નેતાઓનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકરો અપક્ષમાંથી ચૂંટણી લડે છે. છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડાતી નથી. તેના પાછળનું કારણ એવું છે કે ઉંઝામાં પાટીદારો મોટાભાગે એક જ સમાજના હોઇ ભાજપ-કોંગ્રેસનો વિખવાદ ન સર્જાય તે માટે કોંગ્રેસ સિમ્બોલ પર ચૂંટણી લડવા માં આવતી નથી. જોકે કોંગ્રેસના નેતાએ આવી બેબુનિયાદ વાતો કરીને પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ઊંઝા કોંગ્રેસ ક્યાંકને ક્યાંક ભાજપ સાથે સેટલમેન્ટ કરી લેતી હોય છે. તો બીજી બાજુ નાના-મોટા વિરોધ પ્રસંગોએ કોંગ્રેસના બેનરો લઇને રસ્તા પર ઉતરી આવનારા કોંગ્રેસીઓને કોંગ્રેસ ના સિમ્બોલ પર ચૂંટણી લડવામાં શાની શરમ અનુભવાઇ રહી છે તે વિષય પણ ચર્ચાસ્પદ બન્યો છે. જોકે હાલમાં કહેવાતા કોંગ્રેસના નેતાઓ માત્ર રાજકીય લાભ ખાંટવા માટે અને પોતાના હિતો સિદ્ધ કરવા માટે કોંગ્રેસના સિમ્બોલ નો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ના મોટા ગજાના નેતાઓ એ આ અંગે વિચારવું રહ્યું !