ચૂંટણી ચર્ચા : ઊંઝા નગર પાલિકામાં પુનરાવર્તન કે પરિવર્તન ? વાંચો ખાસ અહેવાલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવા ઉત્સુક ઉમેદવારોએ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં પોતાની દાવેદારી નોંધાવવા નું શરુ કર્યું છે. તો વળી છેલ્લા ઘણા સમયથી ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં જુદી-જુદી પેનલો નજરે પડી રહી છે. જેમાં અગાઉ નગરપાલિકાના જે શાસકો હતા એમની પણ એક પેનલ બનવાનું ચર્ચાઈ રહ્યું છે તો બીજી બાજુ કેટલાક અન્ય ઉત્સુક ઉમેદવારોએ પણ સોશિયલ મીડિયામાં દાવેદારી નોંધાવવા નું શરુ કર્યું છે્્ ત્યારે સવાલ એ થાય છે કે ઊંઝા નગરપાલિકા માં આ વખતે પરિવર્તન થશે કે પુનરાવર્તન?
નગરપાલિકાની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે ત્યારે ઊંઝા નગરપાલિકા માં સત્તાનું સુકાન કોના હાથમાં જશે એને લઈને નગરજનોમાં ભારે ઉત્સુકતા જાગી છે. જો કે સમય અગાઉ જે લોકોના હાથમાં નગરપાલિકાની સત્તા હતી એ શાસકો દ્વારા ઊંઝા નગરપાલિકાનો વિકાસ કરવાને બદલે નગરપાલિકાને વિવાદમાં લપેટી હતી. ત્યારે હવે નગરજનો દ્વારા આ વખતે નગરપાલિકા નું સુકાન ભાજપના હાથમાં સોંપાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે અગાઉ નગરપાલિકા નું સુકાન મણિલાલ પટેલ ઘી વાળા અને મિલન બ્રધર્સના હાથમાં હતું. ત્યારે નગરપાલિકાના જ કેટલાક હોદ્દેદારો દ્વારા ગેરકાયદે બિલ્ડિંગો બાંધી દીધા હોવાનો ઘટસ્ફોટ થયો હતો જેને લઇને નગરજનોમાં આક્રોશની લાગણી જન્મી હતી. નગરપાલિકાના હોદ્દેદાર રાકેશ જેપી ગેરકાયદે બાંધકામમાં સંડોવાયેલા હોઇ તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આવા ભ્રષ્ટ શાસકો ને નગરજનો હવે પુનરાવર્તિત કરે એવી કોઈ શક્યતા દેખાતી નથી.
બીજી બાજુ સક્રિય તેમજ શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો. આશાબેન પટેલના નેતૃત્વમાં ઊંઝા નો સર્વાંગી વિકાસ થયો છે. એક સમયે ઊંઝામાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકટ હતી ત્યારે ડો.આશાબેન પટેલના નેતૃત્વમાં ઊંઝા હવે ધીરે ધીરે બ્રિજ સિટી બની રહી છે. એટલું જ નહીં પરંતુ ઊંઝા તેમજ તાલુકાના વિદ્યાર્થીઓ માટે હવે ઊંઝા શહેરમાં સાયન્સ કોલેજ આવતા વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી છે. ઊંઝાનો શૈક્ષણિક વિકાસ ખૂબ જ નોંધપાત્ર રહ્યો છે તો બીજી બાજુ આગામી સમયમાં જો નગરપાલિકા નું સુકાન ભાજપના હાથમાં આવે તો ઊંઝાના વિકાસ ને ચાર ચાંદ લાગી શકે છે એવું નગરજનો માં ચર્ચાઈ રહ્યું છે.