સી.આર.પાટીલના આ નિર્ણયનો સુરતમાં જ થયો વિરોધ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કાર્યકરોમાં કેમ જોવા મળી નારાજગી ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અધ્યક્ષતામાં મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારને ટિકીટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત 60 વર્ષ કરતા વધુ ઉંમરના ઉમેદવારને પણ ટિકિટ આપવામાં નહીં આવે એટલું જ નહીં પરંતુ કોઈપણ સંગઠનના હોદ્દેદારો ને કે તેના નજીકના સગાઓને પણ ટિકિટ આપવામાં નહી આવે.
પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયને લઈને સી આર પાટીલના સુરતમાં જ ભારે વિરોધ થયો છે. જેમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સતત ત્રણ ટર્મથી ચૂંટણી જીતતા નીરવ શાહ, ડેપ્યુટી મેયર નું પત્તુ હવે કપાઇ શકે તેમ છે એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાઇ શકે તેમ છે, ત્યારે સુરતના નીરવ શાહ ના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં નીરવ શાહ જે વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે તે વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે જો નીરવ શાહ ને ટિકિટ નહીં મળે તો તેમને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડાવવા માં આવશે.
જોકે આ મુદ્દો માત્ર સુરતમાં જ નહીં પરંતુ રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના તમામ મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લડવા ઇચ્છતા ઉમેદવારો માં પણ હવે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી ભારે અસંતોષની લાગણી જન્મી છે. એટલું જ નહીં પરંતુ સ્થાનિક કાર્યકરોમાં પણ પ્રદેશ પ્રમુખના નિર્ણય સામે ભારે નારાજગી જોવામાં આવી રહી છે. જોકે બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે જો લોકપ્રિય ઉમેદવારને ટિકીટ ન આપવામાં આવે તો તેને અપક્ષ ઉમેદવાર તરીકે પણ લોકો ચૂંટણી લડાવી શકે છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે સી આર પાટીલ ની અધ્યક્ષતા માં લેવાયેલ આ નિર્ણય ભાજપે બદલવા પડશે કે પછી રાજકીય નુકસાન ના ભોગે આ નિયમને સી.આર.પાટીલ યથાવત રાખશે ?