ગુજરાતના કયા શહેરમાં ઈન્જેક્શન, અંતિમસંસ્કાર બાદ હવે મરણનો દાખલો લેવા માટે લાંબી લાઈનો લાગી ? જાણીને લાગશે આંચકો
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા) : સુરતમાં કોરોના કહેર ને કારણે દરરોજ નવા નવા દ્રશ્ય સામે આવી રહ્યા છે.થોડાક સમય પહેલા ઇન્જેક્શન માટે લાંબી લાંબી લાઈનો લાગતી હતી, તો વળી ક્યાંક બેડ માટે ઓક્સિજન માટે અને વેન્ટિલેટર માટે અને આ બધું ઓછું હોય તેમ સ્મશાનગૃહમાં મૃતદેહના અગ્નિસંસ્કાર માટે લાંબી લાંબી લાઈનો લાગતી હોવાના અનેક દૃશ્યો મીડિયા અને સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. ત્યારે આ બધું ઓછું હોય તેમ હવે મરણનો દાખલો લેવા માટે લાંબી કતારો ના દ્રશ્ય સામે આવ્યા છે.
જો કે, મરણનો દાખલો કાઢવા માટે લાઈન લાગી હોય એવું ક્યારેય જોવા મળ્યું નથી. પરંતુ હાલમાં સુરત શહેરના અઠવા ઝોનમાં સવારથી જ લોકો મરણ દાખલો કઢાવવા માટે કતારમાં ઊભેલા જોવા મળ્યા હતા. જે કોરોના સંક્રમણના કારણે શહેરમાં થયેલા મૃત્યુઆંકમાં વધારાનો પુરાવો સમાન છે. રાંદેર ઝોન, અઠવા ઝોન, કતારગામ ઝોન વગેરે વિવિધ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. મરણ દાખલા વગર ઘણી બધી કાયદાકીય પ્રક્રિયા અટકી જતી હોય છે. જેથી મૃતકના સ્વજનો મરણ દાખલો કઢાવવા માટે પડાપડી કરી રહ્યા છે.ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ મરણ દાખલો મળી રહ્યો છે. પ્રજા જાણે કતારમાં ઉભા રહીને ત્રસ્ત થઈ ગઈ છે. ભગવાન જાણે આ કતારમાં ઊભા રહેવાની પરિસ્થિતિમાંથી સામાન્ય પ્રજાને ક્યારે છૂટકારો મળશે ?