મહેસાણા : સાંસદ શારદાબેન પટેલની રજૂઆતને પગલે તાત્કાલિક પ્રાંત અધિકારીની નિમણૂક કરાઈ
મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : મહેસાણા પ્રાંત કચેરીમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રાંત અધિકારીની જગ્યા ખાલી હતી. જેમાં કડીના પ્રાંત ઓફિસરને તેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પરંતુ જમીનના દસ્તાવેજો જેવી મહત્વની બાબતોને લઈને છેલ્લા ઘણા સમયથી કચેરીમાં ફાઈલોના મોટા મોટા ઢગલા થયા હતા, લોકો પરેશાન હતા. જેને લઈને મહેસાણાનાં સાંસદ શારદાબેન પટેલ ને આ અંગે રજૂઆતો કરાઇ હતી.
મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા તેમને મળેલી રજૂઆતોને પગલે શારદાબેન પટેલ દ્વારા મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલને 25 મે,2021 ના રોજ પત્ર લખી મહેસાણા પ્રાંત કચેરીમાં કાયમી પ્રાંત અધિકારીની નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે મહેસુલ વિભાગ દ્વારા તાત્કાલીક અસરથી પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીની કાયમી નિમણૂક કરવામાં આવી છે. જેમાં સુરતમાં કામરેજમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા એમ.બી.પટેલ ને મહેસાણા પ્રાંત અધિકારી તરીકે કાયમી ધોરણ નિયુક્ત કરાયા છે. આમ સાંસદની રજૂઆત ખરા અર્થમાં સાર્થક નીવડી છે. જેથી હવે અરજદારોએ તેમના કામ માટે ધક્કા ખાવાનો વારો આવશે નહીં.