ભાજપના દિગજ્જ નેતાનો આક્ષેપ : CM રૂપાણી અધિકારીઓને છાવરે છે યા તો અધિકારીઓ સામે તેમનું કાંઈ ઉપજતું નથી ! રાજકારણ ગરમાયુ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : અમરેલીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જ્યારે વેક્સિનેશનના કાર્યક્રમમાં આવવાના હતા તે દરમિયાન તેની તૈયારીઓમાં જોતરાયેલા ભાજપના કાર્યકરોને પોલીસ દ્વારા બેરહેમીપૂર્વક મારવામાં આવ્યા હતા. અને ગાળો પણ ભાંડવામાં આવી હતી. જેને લઇને ભાજપના કેટલાક કાર્યકર્તાઓને હોસ્પિટલ ખસેડવાની નોબત આવી હતી. જોકે પોલીસના વર્તન સામે ભાજપના નેતા દિલીપ સંઘાણીએ રોષ વ્યક્ત કર્યો હતો.
એટલું જ નહીં દિલીપ સંઘાણીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. કારણ કે તેમણે જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા જુલમ ને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આ પોલીસ અધિકારીઓ સામે કોઈપણ પ્રકારના પગલાં ભરાયા નથી. દિલીપ સંઘાણીએ મીડિયાને જણાવ્યું હતું કે રાજ્યનો ગૃહ ડિપાર્ટમેન્ટ સીધો મુખ્યમંત્રી ના અંડરમાં આવે છે. છતાં પણ હજુ સુધી પોલીસ અધિકારીઓની સામે કોઈ પગલા ભરાયા નથી એનો સીધો અર્થ એવો થાય છે કે કાં તો મુખ્યમંત્રી આ પોલીસ અધિકારીઓને છાવરી રહ્યા છે અથવા તો પછી મુખ્યમંત્રીની અધિકારીઓ પર કોઈ પણ પ્રકારની હવે પકડ રહી નથી.
જો કે મુખ્યમંત્રીની આ કામગીરીને લઇને સરકાર ની ઇમેજ બગડી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. આમ ભાજપના જ દિગ્ગજ નેતાએ મુખ્યમંત્રી સામે ગંભીર આક્ષેપો કરતા રાજકારણ ગરમાયુ છે. બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવવાના હતા તેમની તૈયારી માં કાર્યકરો વ્યસ્ત હતા ત્યારે એકાએક પોલીસે આવીને કોઈપણ કારણ વગર કાર્યકરો સાથે માર-જૂડ કેમ કરી? જોકે સીઆર પાટીલે પણ આ અંગે કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે, છતાં પણ હજુ સુધી મુખ્યમંત્રી ના સીધા અંડર માં આવી રહેલ ગૃહ ખાતા તરફથી ભાજપના કાર્યકર્તાઓ ને ઢીબી નાખનાર પોલીસ સામે કોઈપણ પ્રકારના એક્શન લેવાયા નથી જેને લઇને હવે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.