અમરેલી : વેકસીનેશન કાર્યક્રમની તૈયારી કરી રહેલ ભાજપના કાર્યકર્તાઓને પોલીસે માર મારતાં મામલો બીચકયો, જાણો- પછી શું થયું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : અમરેલીમાં આજે સહકારી ધોરણે વેક્સિનેશન નો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત થવાના છે, ત્યારે કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. તે સમય દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ભાજપના કાર્યકરો ને ઢીબી નાંખ્યા હતા. જેને લઈને દિલીપ સાંઘાણી સહિત ભાજપના અનેક નેતાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે આ અથડામણમાં ભાજપના કેટલાક કાર્યકરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જો કે, કાર્યકર્તાઓને માર મારતા મામલો બીચક્યો અને જિલ્લા પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ કેબિનેટમંત્રી દિલીપ સંઘાણી અને સાંસદ નારણ કાછડિયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસના મારના કારણે ભાજપનાં કાર્યકર્તાઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનો નેતાઓએ આક્ષેપ કર્યો હતો. આ કાર્યકર્તાઓેને જોવા માટે પ્રભારી મંત્રી જાડેજા સહિતના નેતાઓ સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા. દિલીપ સંઘાણીએ એ.એસ.પી અભય સોનીની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સાંસદ નારણ કાછડિયાએ પોલીસ પર રેતીની ઉઠાંતરીનો આક્ષેપ લગાવ્યો હતો.
દિલીપ સંઘાણીએ પોલીસની કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો મૂકતા ફોન પર જિલ્લા પોલીસવડાને ખખડાવ્યા હતા. સંઘાણીએ કહ્યુ હતું કે, "કોવીડનો કાર્યક્રમ છે, કોવીડનો પ્રશ્ન છે, કોવીડ માટે અમે સહકારી ધોરણે વેક્સીનેશનનો કાર્યક્રમ કરવાના છીએ આના માટે ભાજપ પ્રમુખ આવે છે અને એમાં પણ જો પોલીસ નડે તો પછી પોલીસ સામે લીડ લેતા હું લેશ માત્ર સંકોચ નહીં રાખું. તમે પોલીસના વડા છો અને આના પર એક્શન લેવાવા જોઈએ. અમે આજ દિનસુધી પોલીસ સામે કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નથી બાકી ક્યાં દારૂં મળે છે એ હું તમને બતાવી શકું છું. હું અને સાંસદ તમારી સાથે આવીએ અને બતાવીએ ક્યાં પોલીસ રેતી લઈ જાય છે અને ક્યાં દારૂં મળ છે?"