મહેસાણા સાંસદ શારદાબેન પટેલે જિલ્લાની ૪૧ પ્રાથમિક શાળાઓ માટે ૮૧ કોમ્પ્યુટર વિતરણ કર્યા
૪ વર્ષના સાંસદ તરીકેના કાર્ય કાળમાં કુલ રૂ.૧.૪૩ કરોડ સાંસદશ્રીએ વિવિધ શૈક્ષણિક કાર્યમાં ગ્રાન્ટ ફાળવી
સમાજ નિર્માણ અને ઉત્કૃષ્ટ નાગરિકો તૈયાર કરવામાં શિક્ષકો મહત્વપૂર્ણ-સાંસદશ્રી શારદાબેન પટેલ
મહેસાણા સાંસદે જિલ્લાની ૪૧ પ્રાથમિક શાળાઓ માટે ૮૧ કોમ્પ્યુટર વિતરણ કર્યા
૪ વર્ષના સાંસદ તરીકેના કાર્ય કાળમાં કુલ રૂ.૧.૪૩ કરોડ સાંસદશ્રીએ વિવિધ શૈક્ષણિક કાર્યમાં ગ્રાન્ટ ફાળવી
મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : આજ રોજ સાંસદશ્રી શારદાબેન પટેલના હસ્તે બી.આર.સી ભવન લાખવડ મહેસાણા ખાતે મહેસાણા જિલ્લાની ૪૧ સરકારી પ્રાથમિક શાળાઓને ૮૧ કોમ્પ્યુટર વિતરણ કરવામાં આવ્યા હતા.
"સમાજ નિર્માણ અને ઉત્કૃષ્ટ નાગરિકો તૈયાર કરવામાં શિક્ષકો મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે" એમ લાખવડ બી.આર.સી ભવન ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસદએ જણાવ્યું હતું.
સાંસદે વધુમાં જણાવ્યું હતું કે ,"શિક્ષણ અને શિક્ષક દ્વારા સમાજ અને દેશ પ્રગતિ કરે છે. સમયની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી વિશ્વની હરોળમાં આપણે અગ્રેસર થવાનું છે. ટેકનોલોજી સમયની તાતી જરૂરીયાત છે. શિક્ષણમાં પાયાની મૂળભૂત જરૂરિયાત પૈકી છેલ્લા ચાર વર્ષમાં શાળાઓમાં કોમ્પ્યુટર, શૌચાલય ,પાણીની ટાંકી તેમજ આરો પ્લાન્ટ પૈકી રૂ.૧ કરોડ ૪૩ લાખ ૩૫ હજારની ગ્રાન્ટની મેં ફાળવણી કરી છે.
સમાજમાં શિક્ષણના હિમાયતી એવા અમારા પરિવારમાં આરોગ્ય અને શિક્ષણ માટે હજુ પણ વધુ જેમ જરૂર પડે એમ સહાય કરવામાં આવશે." એમ તેમણે આ તકે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,"શિક્ષણ એ જ ઉદ્ધાર છે" એવા માનનીય પ્રવચન સાથે તેમણે શિક્ષકોને પણ સમય સાથે વિદ્યાર્થીઓને તૈયાર કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન માં જણાવ્યું હતું કે ,"ભાવિ યુવા પેઢીને ટેકનોલોજી સાથે તૈયાર કરવાની જવાબદારી આપણે શિરે છે, આથી શિક્ષકો પણ શીખતા રહે તો ઉત્તમ નાગરિકો તૈયાર થશે. તેમણે પૂર્વ મંત્રી અનિલભાઈ પટેલની શિક્ષણ હિમાયત અને સાંસદ શારદા બહેનના મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રશંસનીય પ્રયત્નો રજૂ કર્યા હતા. તેમજ તેમણે લોક ભાગીદારીથી શિક્ષણનો વિકાસ કરાવવાનો સૌને અનુરોધ કર્યો હતો.
જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે, શિક્ષણની સુવિધા અને જરૂરિયાત માટે જનપ્રતિનિધિશ્રીઓ સદા તત્પર રહે છે. સંસદસભ્ય શારદાબેન પટેલે શિક્ષણ સહિત આરોગ્ય, બસ સ્ટેશન, પાણી, લાઈબ્રેરી જેવા વિવિધ કામોની સુવિધાઓ માટે તેમને મળેલી કૂલ ૭ કરોડ ગ્રાન્ટમાંથી રૂપિયા ત્રણ કરોડની સાંસદ ગ્રાન્ટની ફાળવણી કરી છે.
શિક્ષણમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપવા આ તકે બીઆરસી કો-ઓર્ડીનેટર ઇલીયાસભાઇ મન્સૂરીએ સાંસદ નો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બાળકોને ઉત્તમ નાગરિકો બનાવવાનો અમે પ્રયત્ન કરીશું.આ તકે સાંસદ એ તેમજ ઉપસ્થિત મહાનુભાવો એ પ્રતિક રૂપે સાત તાલુકાના શાળાના આચાર્યોને કોમ્પ્યુટરનું વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ. ગૌરાંગભાઈ વ્યાસ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી હિતેશભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ. બી.આર.સી કોર્ડીનેટરઓ, લાભાર્થી શાળાના આચાર્ય ઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.