Exclusive : ભાજપને અલવિદા કહેનાર જય નારાયણ વ્યાસ આ રીતે ગુજરાતની રાજનીતિના કિંગ મેકર બની શકે છે
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં મોટો હડકંપો મચી ગયો છે. એટલું જ નહીં પરંતુ જય નારાયણ વ્યાસ ના ભાજપ છોડવાથી ક્યાંક ને ક્યાંક ભાજપને આવનાર સમયમાં નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. કારણ કે મીડિયા સામે વ્યાસે ભાજપ છોડવાના જે કારણો દર્શાવ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક સંગઠનમાં પણ પક્ષા-પક્ષી અને અવગણના ચાલતી હોય તેવું સ્પષ્ટ પણે ચર્ચાઈ રહ્યું છે. તેથી આવનાર સમયમાં ભાજપની 182 બેઠકો માટેની ઉમેદવારોની યાદી બહાર પડ્યા પછી પણ કેટલાક નારાજ નેતાઓ ભાજપને અલવિદા કહે તો નવાઈ નહીં.
બીજી બાજુ જય નારાયણ વ્યાસે મીડિયા સામે એવું પણ નિવેદન આપ્યું છે કે તેઓ ની પાસે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ બે વિકલ્પો છે.ત્યારે કોઈ પણ એક પાર્ટીમાં જોડાઈ શકે છે.જોકે રાજકીય સૂત્રોનું માનીયે અને થોડાક સમય પહેલા રાજસ્થાનના કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથેની તેમની મુલાકાતને ધ્યાને લઈએ તો તેમનો કોંગ્રેસ સાથેનું જોડાણ શક્ય બને તેવું વધારે માનવામાં આવી રહ્યું છે.કારણ કે ગુજરાતમાં કોંગ્રેસ પાસે મુખ્યમંત્રી નો કોઈ એવો મોટો દિગજજ ચહેરો નથી. ત્યારે જો જનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા તો કદાચ કોંગ્રેસ જયનારાયણ વ્યાસને મુખ્યમંત્રી નો ચેહરો પણ બનાવી શકે છે એવી શક્યતાઓને પણ નકારી શકાય નહીં. રાજકારણમાં ગમે તે સમયે ગમે તે વળાંક આવે તે સૌ કોઈ જાણે છે. અર્થાત 2022 ને ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ગુજરાતના રાજકારણના નિષ્ણાત વિદ્વાનોના અનુમાનોને ખોટા પાડીને સમીકરણોને બદલી નાખે તો નવાઈ નહીં
જોકે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ઈશુદાન ગઢવી ને મુખ્યમંત્રી નો ચહેરો જાહેર કરતાની સાથે જ આમ આદમી પાર્ટીમાં અંદરો અંદર નારાજગીના સૂર ઉઠ્યા છે. ત્યારે આ પાર્ટીની સ્થિરતા કેટલી? એ પણ વિચારવું રહ્યું એને જોતા જય નારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કરી શકે છે. જોકે ભાજપ દ્વારા પણ જ્યારે 182 ઉમેદવારો નું લિસ્ટ જાહેર કરવામાં આવશે ત્યારે ભાજપમાં પણ નારાજગીના સૂર ઉઠશે તો નારાજ નેતાઓ પણ કદાચ ભાજપ છોડીને જય નારાયણ વ્યાસના આ પગલાને ધ્યાનમાં લઇ કોંગ્રેસ સાથે જોડાણ કરે તો ગુજરાતના રાજકારણમાં ઉલટી ગંગા જેવા દ્રશ્યો સર્જાઈ શકે છે. કારણ કે એક સમયે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાતા હતા તો હવે કદાચ ભાજપના નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જય નારાયણ વ્યાસ એ ભાજપના સૌથી પ્રબુદ્ધ, વિચારશીલ, પ્રખર અર્થશાસ્ત્રી અને વિદ્વાન નેતા માનવામાં આવે છે.