ઊંઝા : નગર પાલિકા મચ્છરજન્ય રોગ અટકાવવા એક્શન મોડમાં, કામગીરી જાણીને કરશો પ્રસંશા
નગરમાં રાત્રી સફાઈ ઝુંબેશ વેગવંતી બનાવાઇ
ખુદ પ્રમુખે સફાઈનું કર્યું નિરીક્ષણ
શહેરમાં પાણી ભરાય તેવા સ્થળો પર ખાડા પુરવાની હાથ ધરી ઝુંબેશ
રાત્રે દવા અને ફોગિંગ નો છંટકાવ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : ઊંઝા નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ હાલમાં એક્શન મોડ માં છે. તેમણે શહેરના નાગરિકોની સ્વસ્થતા ને અગ્રીમતા આપીને શહેરમાં સાફ-સફાઈ ઝુંબેશ તેમજ વિવિધ સ્થળો ઉપર દવા છંટકાવ અને ફોર્ગિંગ ની પ્રક્રિયાને વેગવંતી બનાવી છે.
નગરપાલિકામાં પ્રમુખ નું સ્થાન ગ્રહણ કર્યા બાદ દીક્ષિતભાઈ પટેલ દ્વારા સફાઈ કર્મચારીઓની એક મિટિંગ યોજાઇ હતી. અને શહેરની સ્વચ્છતાને અગ્રીમતા આપવાની તેમણે સફાઈ કર્મીઓને હાકલ કરી હતી.
ઉપરાંત હાલમાં બે ઋતુ ને લીધે જે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ચાલી રહ્યો છે તેને અટકાવવા માટે પાલિકા દ્વારા સક્રિય પ્રયત્નો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે શહેરમાં જ્યાં પણ ઘાસ કે નીંદણ ઉગેલું હોય તેને દૂર કરવામાં આવી રહ્યું છે.તદુપરાંત રોડની બંને સાઈડ જ્યાં ખાડા પડેલા હોય અને પાણી ભરાતું હોય તેને પૂરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં શહેરમાં જ્યાં પણ પાણી ભરાઈ રહે એવા સ્થાનો હોય ત્યાં પાણી ન ભરાય તે માટે જમીનને સમથળ બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
આ ઉપરાંત નગરપાલિકા દ્વારા શહેરમાં દરેક સ્થળો પર ફોગિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.તેમજ દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે જેથી મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગોના મચ્છરોનો ઉપદ્રવ વધતો અટકે. આમ, નગરજનોની સ્વસ્થતા માટે પાલિકા દ્વારા અથાક પ્રયત્નો હાથ ધરાયા છે.