Gujarat Election 2022 : ચૂંટણી દરમ્યાન ભાજપના આ નેતાને મળી શકે છે મોટી જવાબદારી !
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપે એકવાર પુનઃ સરકાર બનાવવા માટે કમર કસી છે. એટલું જ નહીં પરંતુ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી એ પણ જ્યારે ઝંપલાવ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપ માટે કપરા ચઢાણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેને લઇ ભાજપ દ્વારા એક એવી રણનીતિ અખત્યાર કરવામાં આવી રહી છે કે જેથી તમામ વર્ગના મતદારોને રીઝવીને પુનઃ બહુમતી સાથેની સરકાર બનાવી શકે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે જબરજસ્ત સોશિયલ મીડિયા કેમ્પિંગ પણ ચલાવવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ આ વખતે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારમાં કેટલાક સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવશે, ત્યારે ગુજરાતમાંથી કયા કયા નેતાઓને સ્ટાર પ્રચારકમાં ઉતારવામાં આવશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં હાર્દિક પટેલ નું નામ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં આવવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.
પાટીદાર અનામત આંદોલનથી પ્રખ્યાત બનેલા હાર્દિક પટેલે છેવટે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. જોકે ભાજપનો કેસરિયો ધારણ કર્યા બાદ હાર્દિક પટેલ અગાઉ જે આક્રમક સ્વભાવ ધરાવતા હતા તે શાંત અને ગંભીર બની ગયા હતા. ક્યાંક ને ક્યાંક ભાજપની શિસ્ત તેમને ગળે ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં તાજેતરમાં જ્યારે ગૌરવયાત્રામાંથી હાર્દિક પટેલ ના નામ ને બાકાત કરવામાં આવ્યું ત્યારે પણ હાર્દિક પટેલે આ મુદ્દે કોઈપણ પ્રકારની કોમેન્ટ કરી ન હતી. કદાચ ભાજપમાં જોડાયા પછી હાર્દિક પટેલને એ વાતની પ્રતીતિ થઈ ગઈ હશે કે ભાજપમાં જેટલો શાંત રહીને કામ કરવામાં આવે એટલી જ વધારે છાપ સારી ઉપસતિ હોય છે.
અત્રે નોંધનીય છે કે હાર્દિક પટેલે ભાજપ નો ખેસ ધારણ કર્યો ત્યારે ક્યાંક ને ક્યાંક કેટલાક ગુજરાત ભાજપના નેતાઓમાં છુપી નારાજગી જોવા મળી હતી. જે સપાટી પર હજુ સુધી આવી નથી. પરંતુ અમિત શાહના હાર્દિક સાથેના સંબંધો ક્યાંક ને ક્યાંક હાર્દિકની રાજકારણમાં મોટો ફાયદો કરાવી શકે છે એવી પણ કેટલીક માન્યતાઓ પ્રવરતી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિકનો રોલ કેવા પ્રકારનો રહેશે. હાર્દિક પટેલ ને ચૂંટણી લડવા માટે ભાજપ મેદાનમાં ઉતારશે કે કેમ ? એ પણ સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે. જોકે હાલમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ હાર્દિક વિરમગામ થી ચૂંટણી લડી શકે છે.