ઊંઝા : ભાજપની આ પાવરફૂલ મહિલાઓએ દાવેદારી કરનાર ઉમેદવારોનું વધાર્યું ટેંશન !
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર મુરતિયા નક્કી કરવા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ઊંઝા બેઠક સૌથી વધારે ચર્ચાસ્પદ રહી છે. કારણ કે ઊંઝા વિધાનસભા બેઠક એ ઉત્તર ગુજરાતની રાજનીતિનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે .ત્યારે ઊંઝા બેઠક પર સેન્સ પ્રક્રિયા દરમિયાન બાવન જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી .આ ઉમેદવારી ઓછી હોય તેમ વિસનગર ના ધારાસભ્ય એવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ઊંઝા થી ઉમેદવારી નોંધાવતા ઊંઝા ના રાજકારણમાં હડકંપ મચ્યો હતો.
જોકે મહત્વની વાત એ છે કે ઊંઝા વિધાનસભા સીટ પર અગાઉ 2017 માં કોંગ્રેસમાંથી ડો. આશાબેન પટેલ ચૂંટણી લડીને વિજેતા બન્યાં હતાં. ત્યારબાદ તેમણે કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો અને પેટા ચૂંટણીમાં પણ ડો. આશાબેન પટેલ નો ઝળહળતો વિજય થયો હતો. એમ કહેવાય છે કે ડો. આશાબેન પટેલ એ ભાજપના સૌથી શિક્ષિત અને પાવરફુલ નેતા હતાં. ઉંઝા ને તેમણે વિકાસની અનેક ઊંચાઈઓ સર કરાવી છે, ત્યારે એકાએક ડો. આશાબેન નું કોરોનાકાળ દરમિયાન નિધન થતાં છેલ્લા કેટલાક સમયથી આ બેઠક ખાલી પડી છે. ત્યારે આ વખતે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન ઊંઝા બેઠક પર ચૂંટણી લડવા માટે ત્રણ પાવરફુલ મહિલાઓએ દાવેદારી નોંધાવતા હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ઊંઝા વિધાનસભા સીટ પર પુરુષ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે કે મહિલા ઉમેદવારને ?
ઊંઝા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઊંઝા નગરપાલિકાનાં પ્રમુખ રીન્કુબેન પટેલ (આગેવાન)એ પણ ટિકિટ માગી છે. તો બીજી બાજુ ઊંઝા તાલુકા પંચાયતનાં પ્રમુખ સીતાબેન પટેલ(ઉપકાર) એ પણ ટિકિટ માંગી છે.તો વળી ઉનાવા અને ઊંઝા સાથે વિશેષ સંબંધ ધરાવનાર ભાજપનાં મહિલા એવાં પ્રદેશ ડિબેટ પ્રવક્તા અને સામાજિક કાર્યકર પારુલ બેન પટેલે પણ ટિકીટ માગી છે.અત્રે નોંધનીય છે કે ઊનાવા એ તેમની જન્મભૂમિ અને ઊંઝા એ તેમનો સાસરી પક્ષ છે.આમ ઊંઝા વિધાનસભાના સૌથી મોટા બે વિસ્તાર સાથે તેમનો સીધો નજીકનો સંબંધ છે.તો વળી તેઓ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ પણ છે.તેમના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળતી માહિતી મુજબ ભાજપમાં તેઓ ખૂબ સક્રિય છે.ડો.આશાબેન જેવા જ પાવરફૂલ બિન વિવાદાસ્પદ લેડી છે.
ઉમેદવારો માટે કયા છે પડકાર ?
ઊંઝા વિધાનસભામાં ઊંઝા અને વડનગર એમ બે શહેરોનો સમાવેશ થાય છે જેના કુલ મળીને આશરે 70 થી વધારે ગ્રામ્ય વિસ્તારો છે ત્યારે ઊંઝા અને વડનગર ગ્રામ્ય વિસ્તારોના લોકો સાથે સીધો સંપર્ક હોવો ખૂબ જરૂરી છે કારણ કે વડનગરમાં મોટાભાગે મતદારો જાણીતા ચહેરા ને જ પહેલી પસંદગી આપી શકે છે.ઊંઝા સીટ પર 35.4%પાટીદાર મતદારો, 23% ઠાકોર-ક્ષત્રિય મતદારો, 6.5% દલિત મતદારો, અને 2.6% પ્રજાપતિ મતદારો છે.જો કે ગ્રામ્ય વિસ્તારમાં મતદારોને આકર્ષવા એ એક મોટો પડકાર છે.