મારા પિતાને મારી નજર સમક્ષ મરતા જોયા....તો નીતિન પટેલને બેડ કેવી રીતે મળ્યો ? સોશ્યલ મીડિયામાં સરકારે સામે રોષ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : રાજ્યમાં પાછલા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ રાજ્યની હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે પથારીઓ, ઓક્સિજન અને પ્રાણરક્ષક દવાઓના જથ્થાની ભારે અછત હોવાની વ્યાપક ફરિયાદો જોવા મળી છે. જેના કારણે ઘણા દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો સતત સ્થાનિક મીડિયામાં આવી રહ્યા છે.
આવી પરિસ્થિતિમાં જ્યારે નીતિન પટેલનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવતાંની સાથે જ તેમને તાત્કાલિક અસરથી રાજ્યની સરકારી હૉસ્પિટલમાં બેડની સુવિધા મળી ગઈ છે. ત્યારે લોકો સોશિયલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.સોશિયલ મીડિયા પર ઘણા સોશિયલ મીડિયા યુઝરો નીતિન પટેલને જલદી સ્વસ્થ થવાની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. જોકે, સરકારી વ્યવસ્થાથી નારાજ પ્રજાજનો તેમના પ્રશંસકો અને શુભેચ્છકોનો પણ સોશિયલ મીડિયા પર ઉધડો લઈ રહ્યા છે.
એક ટ્વીટર યુઝર્સે લખ્યું છે કે, " જ્યારે ઘણા લોકોને પથારી નથી મળી રહી તેવા સમયે નીતિન પટેલને આટલી સરળતાથી હૉસ્પિટલમાં પથારી કેવી રીતે મળી ગઈ?" એક યુઝરે સરકારની બેવડી નીતિઓ પર પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે, "તો નીતિનભાઈને ડાઇરેક્ટ દાખલ કરાયા કે તેમણે પણ 108વાળો પ્રોટોકોલ અનુસરવો પડેલો?"
એક ટ્વિટર યુઝર બે દિવસથી ટ્વીટ મારફતે પોતાના કોરોનાગ્રસ્ત પિતા માટે બેડની વ્યવસ્થા કરવાની વિનંતી કરી રહ્યા હતા. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, "આભાર નીતિન પટેલ, નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી. તમારા આયોજનના કારણે મેં મારા પિતાને ગુમાવ્યા. મેં ઘણી વખત 108 પર ફોન કર્યો પણ તેઓ ન આવ્યા. મારા પિતાનું ઓક્સિજન લેવલ 30 થઈ ગયું હતું. હું કાંઈ કરી શકું એમ નથી. મારે મારા પિતાને મારી આંખો સામે મરતા જોવા પડી રહ્યા છે. તમે બધા આના માટે જવાબદાર છો. તમારા નિર્ણયોના કારણે મારા પિતાને મેં ગુમાવ્યા. હું ભાજપનો સમર્થક છું. પરંતુ હવે મને સમજાઈ ગયું છે કે તમે બધા બિનકાર્યક્ષમ છો."