ભાજપના નેતૃત્વમાં ઊંઝા અસલામત : અસામાજિક તત્ત્વોને નથી રહ્યો પોલીસનો ખૌફ !
ગઇકાલે સાંજે એકવાર ફરીથી બજારમાં છરીઓ ઉછળી
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર એવું ઐતિહાસિક અને ધાર્મિક શહેર ઊંઝા હવે ભાજપના નેતૃત્વમાં દિવસે દિવસે કુખ્યાત બની રહ્યું છે.શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી છે.અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી જેની પાછળ ઊંઝા પોલીસ અને ભાજપના પ્રજાપ્રતિનિધિ ની નિષ્ક્રિયતા જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સમય અગાઉ લોક દરબારમાં કાયદો અને વ્યવસ્થા ની કથળતી સ્થિતિ ને લઈ સવાલો ઉઠ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં ઊંઝામાં છરીઓ ઉછળવાની ઘટનાઓ બની રહી છે. એટલું જ નહીં પરંતુ અન્ય કેટલીક અસામાજિક બદીઓ પણ દિવસે દિવસે વધી રહી છે ત્યારે નગરજનો ને ભાજપના નેતૃત્વમાં અસલામત ઊંઝાનો અહેસાસ થઇ રહ્યો છે.
ધારાસભ્યના નવીન કાર્યાલયના ઉદ્ઘાટન પૂર્વેની જ રાત્રે ઊંઝામાં જાહેરમાં છરીઓ ઉછળી હતી. ત્યારે તાજેતરમાં ગઈકાલે રાત્રે પણ એકવાર ફરીથી છરીઓ ઉછળી હોવાની ઘટના બની હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.જે દિવસે ધારાસભ્યએ લોક દરબાર ભર્યો હતો એ જ દિવસે એ જ સમયે ગાંધીચોકમાં પણ મારામારીની ઘટના બની હતી. વળી શહેરમાં અવાર નવાર ચોરીની ઘટનાઓ તો બનતી જ રહેતી હોય છે . આમ દિવસે દિવસે ઊંઝા અસામાજિક તત્વો નો અડ્ડો બની રહ્યું છે, ત્યારે કોણ જાણે કેમ પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે ? જો આમને આમ ચાલ્યા કરશે તો 'સલામત ગુજરાત ' નો દાવો કરનાર ભાજપના નેતૃત્વમાં ઊંઝા અસલામત બની જશે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.