ઊંઝા : નગરપાલિકાના રોજમદાર સફાઈકર્મીઓની લડતને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું મળ્યું સમર્થન, કોંગ્રેસે પણ ઘટનાને વખોડી

ઊંઝા : નગરપાલિકાના રોજમદાર સફાઈકર્મીઓની લડતને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું મળ્યું સમર્થન, કોંગ્રેસે પણ ઘટનાને વખોડી

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમય અગાઉ પ્રયાગરાજમાં કેટલાક સફાઇ કર્મીઓ ના પગ ધોયા હતા સાથે સાથે તેમણે એવું કહ્યું હતું કે સ્વચ્છ ભારત મિશનના સાચા હિમાયતી એ સફાઇ કર્મીઓ છે. પ્રધાનમંત્રી જ્યારે સફાઇ કર્મીઓને આટલું મહત્વ આપતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી જે પાર્ટીના છે તે ભાજપના નેતાઓ પણ સફાઇ કર્મીઓને આટલું મહત્વ અને સન્માન આપે. પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મહેસાણા જિલ્લાના ઊંઝામાં ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ જાણે પ્રધાનમંત્રી કરતાં પણ વધારે પાવર ધરાવતા હોય તેમ તેમણે સફાઈ કર્મીઓની ઘોર ઉપેક્ષાતા મામલો બિચકયો છે.

સફાઇ કર્મીઓ બે દિવસ અગાઉ પોતાના ન્યાયીક હક માટે જ્યારે નગરપાલિકા પ્રમુખને રજુઆત કરવા માટે એક કલાકથી રાહ જોઇને ઊભા હતા. ત્યારે નગર પાલિકા પ્રમુખે આ સફાઇ કર્મીઓ ની વાત સાંભળવાને બદલે આંખ આડા કાન કરીને ચાલતી પકડી હતી અને સફાઇ કર્મીઓ નું જાણે ઘોર અપમાન કર્યું હતું. સફાઇકર્મીઓની વાત ન સાંભળવામાં આવતા છેવટે આ સફાઈ રોજમદાર કર્મચારીઓએ ગાંધીજીનું પ્રિય અસહકારનું શસ્ત્ર ઉગામ્યું હતું અને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.

જોકે રોજમદાર સફાઇ કર્મચારીઓને કાયમી નિમણૂક પત્રો ન મળતા તેઓ રજૂઆત માટે ગયા હતા. પરંતુ તેમની વાત ન સાંભળીને ન્યાયના હક માટે અસહકાર ની લડત પર ઉતરેલ આ રોજમદાર સફાઈ કર્મીઓને નોટિસ આપીને જ્યારે તેમના અવાજને પાલિકાના સત્તાધીશો દ્વારા દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે ત્યારે આ અંગે  વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ સફાઈ કર્મીઓની લડતને ટેકો જાહેર કરતાં રાજકારણ ગરમાયું છે જીગ્નેશ મેવાણીએ મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, " જ્યાં સુધી સફાઈ કામદારોના પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેઓ હાથમાં ઝાડૂ ન પકડે એ જ એકમાત્ર વિકલ્પ છે. ત્યારે સફાઈ કામદારોની આ લડતને મારો સંપૂર્ણ ટેકો છે."

જો કે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર એ મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, " એક બાજુ જ્યારે પ્રધાનમંત્રી સ્વચ્છતા ઝુંબેશ નો પ્રચાર કરે છે સફાઇ કર્મીઓ ના પગ ધોવે છે, ત્યારે જે સફાઇ કર્મીઓ લોકો માટે પોતાના સ્વાસ્થ્યના ભોગે નગર, શહેર વિસ્તારને સ્વચ્છ રાખે છે એમનું સન્માન થવું જોઈએ. પોતાના જીવના જોખમે શહેર નગર અને સમાજને સ્વચ્છ રાખનાર આ સફાઇ કર્મીઓ એ ભારત માતા ના સાચા સૈનિકો છે. જે રીતે ધૂપસળી સળગી ને સુવાસ આપે છે તે જ રીતે આ સ્વચ્છતા કર્મીઓ પણ સમાજને શહેરની નગરને સ્વચ્છ રાખે છે ત્યારે તેમની રજૂઆતોને સાંભળીને તેમને ન્યાય આપવામાં આવે એ સાચી ભારત માતાની સેવા છે."

આ અંગે ઊંઝા નગરપાલિકાના અપક્ષના નગર સેવક ભાવેશ પટેલે મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, " સફાઈ કર્મીઓ એ પાલિકાના પરિવારના એક સદસ્ય સમાન છે.ત્યારે તેમની રજૂઆત પાલિકા પ્રમુખે સાંભળવી જોઈતી હતી.તેમની ન્યાયિક માગણીઓને સાંભળી તેનો ઉકેલ લાવવામાં આવે એ જરૂરી છે. નગરપાલિકાના સત્તાધીશોએ નગરજનોના સ્વાસ્થ્યનો પણ વિચાર કરવો જોઈએ." આમ ઊંઝા નગરપાલિકાના રોજમદાર સફાઇ કર્મીઓ ની ન્યાયની લડત ને હવે રાજકીય પક્ષોનો પણ ટેકો મળતાં આગામી સમયમાં આ લડત વધુ મજબૂત બને તેવી સંભાવના છે.