વડનગર : ભાજપનો જૂથવાદ સપાટીએ : વડનગર શહેર ભાજપ પ્રમુખ પર લાગ્યો મોટો આરોપ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વતન વડનગર કે જેનો સમાવેશ ઊંઝા વિધાનસભામાં થાય છે. હાલમાં ઊંઝા વિધાનસભા સીટ પર કિરીટભાઈ કેશવલાલ પટેલ ઉર્ફે કે.કે. પટેલ ને ભાજપ એ ટિકિટ આપી છે. જેઓ વિધાનસભા મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. પરંતુ વડનગર વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ભાજપમાં અંદરો અંદર રહેલી નારાજગી એક કાર્યક્રમ દરમિયાન સપાટી પર આવતા ભારે હોબાળો મચી ગયો હતો.
પ્રાપ્ત અહેવાલો મુજબ, વડનગર લેઉવા પટેલની વાડી ખાતે ગુરુવારે રાત્રે ઊંઝાના ભાજપના ઉમેદવારની યોજાયેલી સભામાં તાલુકા પંચાયત પ્રમુખ સહિત તાલુકાના કાર્યકરોની અવગણના થતાં થોડીવાર માટે હોબાળો મચી ગયો હતો . શહેર પ્રમુખ તાલુકાના કાર્યકરો સાથે ભેદભાવ રાખતા હોવાનો આક્ષેપ કરતાં તાલુકા પંચાયત પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ વચ્ચે રકઝક થઈ હતી . જોકે , ઊંઝાના પૂર્વ ધારાસભ્ય સહિતે દરમિયાનગીરી કરી મામલે થાળે પાડ્યો હતો .
આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે તેમ જણાવ્યું હતું . વડનગર લેઉવા પટેલની વાડીમાં ઊંઝા બેઠકના ઉમેદવાર કિરીટભાઈ પટેલની શહેર તેમજ તાલુકાના પ્રતિનિધિઓ તેમજ કાર્યકરો સાથે બેઠક યોજાઇ હતી . હાજર પદાધિકારીઓએ પ્રવચન આપ્યાં હતાં . આ દરમિયાન વડનગર તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઈ પટેલની અવગણના થતાં તેમણે કહ્યું કે , શહેર ભાજપ પ્રમુખ તાલુકાના કાર્યકરોની દરેક વખત અવગણના કરે છે . તાલુકા અને શહેર વચ્ચે ભેદભાવ રાખે છે .