AAP એ વધાર્યું ભાજપનું ટેંશન : પાટીલના ગઢમાં જ પાટીદારો પાડી શકે છે મોટું ગાબડું !

AAP એ વધાર્યું ભાજપનું ટેંશન : પાટીલના ગઢમાં જ  પાટીદારો પાડી શકે છે મોટું ગાબડું !

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાતમાં શિયાળાની ઠંડીની જેમ દિવસે દિવસે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ જામી રહ્યો છે. જોકે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 150 સીટો જીતવાની વાતો ભલે કરતા હોય પરંતુ પાટીલના ગઢમાં જ ગાબડું પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

અગાઉ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ગઢમાં આમ આદમી પાર્ટી એ મોટું ગાબડું પાડ્યું હતું. જો કે હવે વિધાનસભાની ચૂંટણીઓમાં સુરતની મોટાભાગની સીટો ઉપર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ છે. ત્યારે સુરતની વરાછા અને કતારગામ સીટ ઉપર ક્યાંક ને ક્યાંક ભાજપનું ટેન્શન વધી રહ્યું હોય તેવું ચર્ચા રહ્યું છે. સુરતના કતારગામમાંથી ભાજપની સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે વરાછા થી પાટીદાર આંદોલનનો લોકપ્રિય ચહેરો અલ્પેશ કથીરિયા ઉર્ફે ગબ્બર ચૂંટણી લડી રહ્યા છે.

આ બંને ઉમેદવારો ખૂબ જ લોકપ્રિય અને મજબૂત ઉમેદવારો માનવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આ બંને વિધાનસભા મતવિસ્તાર પાટીદાર પ્રભુત્વ વાળા છે અને પાટીદાર અનામત આંદોલન વખતે સૌથી વધારે આંદોલનની અસર પણ સુરતના આ બે વિસ્તારોમાં જ જોવા મળી હતી. ત્યારે અનામત આંદોલનથી લોકપ્રિય બનેલા આ બંને ચહેરાઓ હવે ભાજપની સામે શિંગડા ભેરાવી રહ્યા છે. જોકે હાલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જે સભાઓ યોજાઈ રહી છે એ સભાઓની ભીડ જોતા પણ ભાજપનું ટેન્શન ક્યાંક ને ક્યાંક વધી શકે છે. ભાજપે આ બંને સીટો ઉપર અગાઉના ઉમેદવારોને રીપીટ કર્યા છે જેમની સામે અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે અને ભૂતકાળમાં થયા છે.

કતારગામ વિધાનસભા સીટ ઉપર કોંગ્રેસે જે ઉમેદવારને ટિકિટ આપી છે એ ઉમેદવાર જો કે ભાજપને મોટું નુકસાન કરી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો કતારગામ અને વરાછા આ બંને સીટો ઉપર ભાજપે હારનો સામનો કરવો પડે તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની મુશ્કેલીઓ પણ આવનાર સમયમાં વધી શકે છે અને ક્યાંક ને ક્યાંક પાટીલની પકડ ઢીલી બની હોય તેવું ચિત્ર પણ હાઈ કમાન્ડ સુધી જઈ શકે છે.ત્યારે હાલમાં તો આ બંને સીટો ઉપર જીત મેળવવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે. હવેજોવું એ રહ્યું કે મતદારો પુનરાવર્તન કરે છે કે પરિવર્તન ઈચ્છે છે !