વફા : હૃદયના ઊંડાણ માંથી નીકળતા લાગણીઓના ફુવારાથી ભીંજાઈ જવું એ જ પ્રેમ

વફા : હૃદયના ઊંડાણ માંથી નીકળતા લાગણીઓના ફુવારાથી ભીંજાઈ જવું એ જ પ્રેમ

મોર્નિંગ ન્યુઝ ફોકસ - વફા  :      પ્રેમ..! કેટલો સુંદર, મનમોહક શબ્દ..પણ સૌ કોઈને મનમાં એ સવાલ થાય કે પ્રેમ એટલે શું ? સાચો પ્રેમ કોને કહેવાય ? આજકાલ લોકો પ્રેમના નામે ઘણા ધતિંગ કરતા હોય છે.ત્યારે આજે આપની સામે આ આપ સૌનો મનગમતો વિષય છે તો ચાલો જાણીએ પ્રેમની પરિમિતી.

 પ્રેમ એટલે સૌ કોઈનો મનગમતો વિષય…

પણ….

આ પ્રેમ છે શું ? પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા ખરી?

પ્રેમ જેટલો મનમોહક વિષય છે એટલો જ અઘરો પણ

 આજના યુવાનો માટે પ્રેમ એટલે સહવાસ કરવો, ફરવા જવું, દિવસમાં દસ વાર ‘આઈ લવ યુ’ કહેવું, ચુંબન, આલિંગન, પહેલી નજરે ગમી જાય એ પ્રેમ અને બીજું કેટલુંય પણ બધું આવું જ.. ઉપરછલ્લું! જે બીજા બધામાં આવે પણ પ્રેમની વ્યાખ્યામાં નહિ.. આ બધું પ્રેમ નહીં માત્ર શારીરિક આકર્ષણ છે.

પ્રેમ એ કોઈ વ્યક્ત કરી શકાય તેવી લાગણી છે જ નહીં. પ્રેમને તો અનૂભવવો પડે. પ્રેમ એક એવી અનૂભૂતિ છે જ્યાં સમય પણ અટકી જાય. પ્રેમનો વિસ્તાર અનંત છે… એટલે હૃદયની ભીનાશમાં ઊંડે ઊંડે કોઈના માટે અવિરત ઉડતા લાગણીઓના ફુવારા.

ખરેખર પ્રેમ એટલે માત્ર પામવું જ નહીં. પણ પ્રેમ એટલે તો છોડી દેવું, ત્યાગ કરવો, જેને તમે ચાહો છો તેને પામવાની કોશિશ જરૂર કરો પણ હદમાં રહીને… પોતાના પ્રેમની ખુશી માટે તેનાથી દૂર રહેવું પડે તો પણ ખુશી ખુશી દૂર થઈ જાઓ.

“જો કોઈ તમારાથી દૂર જઈ રહ્યું હોય તો એને જવા દો.. જો એ સાચે જ તમારા હશે તો ચોક્કસ પાછા આવશે. અને જો ન આવે તો સમજી લો કે એ તમારા હતા જ નહીં.”

 જીવનમાં મળતી દરેક વ્યક્તિ માટે લાગણી ન ઉદ્ભવી શકે, તે જ રીતે દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ ન થઈ શકે. અત્યારની પેઢીની ગેરસમજ એ સૌથી વધુ નુકસાનકારક બાબત છે..‌ ‘પ્રેમ’ શબ્દના અર્થની ગેરસમજ.. જેને કારણે વ્યક્તિત્વ અને વિકાસ બેય આ યુવાનો દાવ પર લગાડી દે છે અને પછી… પસ્તાવો જ પસ્તાવો…

ખરેખર તો જ્યાં સુધી આપણે ‘ફ્રેન્ડશિપ ડે’ અને ‘વેલેન્ટાઈન્સ ડે’ આપણા પરિવાર સાથે ઉજવતા નહીં થઈએ ત્યાં સુધી ‘પ્રેમ’નો સાચો અર્થ નહીં સમજાય.પ્રેમ એ માત્ર વિજાતીય વ્યક્તિ પ્રત્યે જ ઉદભવે એ નહિ.પોતાના વ્યક્તિત્વને ચાહવાથી જ પ્રેમની શરૂઆત થવી જોઈએ. પ્રેમનો સાચો અર્થ એક વાર સમજાઈ ગયો એટલે બસ.. “ઑલ ઈઝ વેલ.”

પ્રેમ અંદરથી ભરી દે છે, ખાલી નથી કરતો. જેની સાથે પ્રેમ થયો હોય તે વ્યક્તિ ન મળે તો બેચેની નથી થતી પણ એક ગજબની શક્તિ આપે છે. હું પ્રેમમાં છું એ નહીં પણ પ્રેમ મારી અંદર છે એ સાચી સમજ છે. એ કેળવાય પછી જ જીવનમાં મળતી દરેક વ્યક્તિ મને કોઈપણ સ્વાર્થ વિના પામવાની, મને મળવાની, મારી સાથે સમય વિતાવવાની વાત કરશે. પ્રેમમય બની જવાશે. પ્રેમ જ્યારે તાકાત બને ત્યારે સમજવું કે સાચો પ્રેમ થયો છે.

આપણે જ્યારે કોઈને પ્રેમ કરીએ છીએ તો ઈચ્છીએ છીએ કે તે પણ એમ જ કરે.. પણ આ ખોટું છે. કોઈને આપણી જેમ જ કરવા આગ્રહ ન કરવો જોઈએ. કોઈને બદલવાની કોશિશ કરીશું તો એમાં પ્રેમ ગૂંગળાઈ જશે, જે જેવા છે તેને તેવા જ સ્વીકારીએ, એ સાચી લાગણી છે. કર્મ અને ફળ અલગ છે જ નહીં. આપણે કોઈને સ્વાર્થભાવથી પ્રેમ કરીશું તો સામે સ્વાર્થભાવ જ મળશે. અને પછી સંબંધોમાં રહેલી મીઠાશ, કડવાશમાં બદલાઈ જશે. અને પછી ફરિયાદો, વિવાદો ચાલુ થશે. અને છેવટે સંબંધો પૂરા…. તો શું પ્રેમ એ વ્યક્તિગત ભાવ છે? શું મા-બાપ, ભાઈ-બહેન, મિત્રો, પતિ કે પત્ની માટે એક સરખો પ્રેમ ન ઊપજી શકે? કેવું હાસ્યાસ્પદ લાગે છે નહીં? પણ જવાબ મેળવવો જ રહ્યો.

આપણુ વ્યક્તિત્વ સહજ વ્યક્ત થાય એ માટે જેને મળીએ તેને પ્રેમ કરીએ. પાછળથી એની સાથે ન બને તો પણ પ્રેમભાવ રાખીએ. દુશ્મનને પણ પ્રેમ કરીએ. જેમ જૂદા જૂદા અંતઃસ્ત્રાવો ગુસ્સામાં, કરુણામાં, આપણા શરીરમાં જન્મે છે તેમ પ્રેમ કરતા કરતા આપણી અંદર પ્રેમના સ્ત્રાવ સતત ઉત્પન્ન થાય છે. જે આપણને એક સરસ માણસ બનાવે છે. જેમ મધર ટેરેસા સૌને પ્રેમ કરતા, બધા માટે સમભાવ રાખતા, સેવાભાવ રાખતા અને બધા લોકો પણ એમને પ્રેમ કરતા.. પણ અહીં ક્યાંય સ્વાર્થ તો હતો જ નહીં. માત્ર નિસ્વાર્થ પ્રેમ… Unconditional Love…

“હું તને ચાહું છું” બસ… આટલું જ.. પ્રેમ આ સિવાય કશું જ માંગતો નથી. આ ભાવ આપણી અંદર જગાવીએ ત્યારે જ આપણે સૌના ચહીતા થઈએ. સૌ આપણને પ્રેમ કરવા લાગે. જે જોઈએ તે આપો તો સામેથી મળે.

આપણા વાણી-વર્તન-વ્યવહાર એવા કરીએ કે દરેક વ્યક્તિ આપણને પ્રેમ કરવાની ઈચ્છા કરે.

સાચો પ્રેમ બાહ્ય દેખાવ પર આધારિત નથી હોતો. જ્યાં આકર્ષણ નથી ત્યાં જ સાચા પ્રેમની પરીક્ષા છે. એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિને એક દિવ્યાંગ અને રોગી સાથે પણ પ્રેમ થઈ શકે.

માણસ પ્રેમ કરવા માટે બન્યો છે અને વસ્તુઓ વાપરવા માટે… પણ આપણે આ વાતને ઊંધી કરી નાખી છે. આપણે માણસને વાપરતા થયા અને વસ્તુઓને પ્રેમ..

પ્રેમ એ માત્ર પવિત્ર અનૂભૂતિ છે. ઈશ્વરની આપણને મળેલ એક અણમોલ ભેટ. એને ખોટા અર્થોમાં ઢાળી ગુમાવવી ન જ જોઈએ.

“મગજ બોલે છે ઘણું પણ જાણતું કશું નથી. હૃદય જાણે બધું પણ બોલતું કશું નથી.”

એ જ હૃદયના મૌનને સાંભળતા શીખો.

સાચા પ્રેમની વ્યાખ્યા સમજાઈ જશે.