ઉત્તર ગુજરાતની આ નગર પાલિકામાં ચૂંટણી જીત્યા બાદ ભાજપના 19 ઉમેદવારો ગાયબ થઈ જતાં ખળભળાટ, તરેહ તરેહની ચર્ચાઓ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા નગરપાલિકા ની ચૂંટણી જેટલી રસાકસી ભરી હતી એટલા જ રસાકસી ભર્યા તેના પરિણામો રહ્યા છે. નગરપાલિકાની ૩૬ બેઠકો ઉપર ભાજપે અને કામદાર પેનલે પોતપોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જેમાં ૧૯ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે તો ૧૫ બેઠકો પર કામદાર પેનલના ઉમેદવારો ની જીત થઈ છે જ્યારે બે બેઠકો પર અપક્ષ ના ઉમેદવારો ની જીત થઈ છે.
જોકે ૧૯ બેઠકો ઉપર ચૂંટણી જીત્યા બાદ ભાજપના ઉમેદવારો જાણે ગાયબ થઇ ગયા હોય તેવો માહોલ સર્જાયો છે. માત્રને માત્ર અપક્ષ ના ઉમેદવાર ભાવેશ પટેલ હાલમાં લોકોની વચ્ચે દેખાઈ આવે છે. જ્યારે ભાજપના ૧૯ જીતેલા ઉમેદવારો શહેર માં ક્યાંય પણ નજરે દેખાતા નથી.
ત્યારે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના 19 ઉમેદવારો માંથી એક પણ ઉમેદવાર તૂટે નહીં તે માટે જીતેલા ઉમેદવારો ને ક્યાંક અજાણ્યા સ્થળે લઈ જવાયા હોવાનો કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. અત્રે નોંધનીય છે કે કામદાર પેનલના 15 ઉમેદવારોની જીત થઇ છે. જો નગરપાલિકામાં સત્તાનું સુકાન સંભાળવું હોય તો 19 ઉમેદવાર હોવા જરૂરી છે. જોકે ભાજપ ને પાતળી સરસાઈ પ્રાપ્ત થઈ છે ત્યારે તેના ઉમેદવારોમાં તોડફોડ ન થાય તે માટે ભાજપે પાણી પહેલા પાળ બાંધી દીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.