Exclusive : ઊંઝા વિધાનસભા સીટ પર ભાજપ કોને ઉતારશે મેદાનમાં ? વડનગરને મળી શકે છે તક ? જાણો હકીકત

Exclusive : ઊંઝા વિધાનસભા સીટ પર ભાજપ કોને ઉતારશે મેદાનમાં ? વડનગરને મળી શકે છે તક ? જાણો હકીકત

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોતાની ટિકિટ પાકી કરવા માટે જે તે વિધાનસભા સીટ ઉપર ભાજપના નેતાઓએ પોતાની લોબિંગ શરૂ કરી દીધી છે. જોકે ટિકિટ મેળવવા માટે પાટીલના વ્હાલા બનવા માટે પાટીલની સુરત ઓફીસ ના ચક્કર લગાવવા નું પણ કેટલાક નેતાઓએ શરૂ કરી દીધું છે. ત્યારે કઈ વિધાનસભા ઉપરથી કોને ટિકિટ મળશે તે અંગે આ વખતે ખૂબ જ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. જોકે જાણવા મળતી વિગતો અનુસાર ગુજરાતમાં આમ આદમી પાર્ટી નું કદ વધતાં ભાજપ રિપીટ થિયરી ને વધુ એક વખત અજમાવશે,  છતાં પણ પોતાની ટિકિટ ન કપાય તે માટે અનેક સીટિંગ ધારાસભ્યો એ પણ પોતાના પ્રયત્નો શરૂ કરી દીધા છે

ત્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આ વખતે ઊંઝા સીટ સૌથી વધુ ચર્ચામાં છે. કારણકે ઊંઝા સીટ પરથી ભાજપ ના સિમ્બોલ પરથી જીત મેળવનાર ધારાસભ્ય  ડો.આશાબેન પટેલ નું નિધન થવાથી આ સીટ ખાલી પડી છે. ત્યારે હવે આ સીટ પર કોને ટિકિટ મળશે તેને લઈને વિધાનસભાના મતદારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે ઊંઝા વિધાનસભા સીટ માં ઊંઝા અને વડનગર તાલુકા નો સમાવેશ થાય છે.જેમાં દર વર્ષે ઊંઝા વિધાનસભા સીટ પર ઊંઝાના જ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે. ત્યારે આ વખતે ઊંઝા વિધાનસભા સીટ પર ટિકિટના અનેક મજબૂત દાવેદારો માં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે, ત્યારે હાઈ કમાન્ડ માટે વડનગર એક નવા વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે.

વર્ષોથી ઊંઝા વિધાનસભા સીટ પર ઊંઝાના ઉમેદવારને જીતાડવા માં સદાય ઉત્સુકતા દાખવનારા વડનગર ના મતદારોમાં પણ હવે મૂડ બદલાયો છે અને આ વખતે વિધાનસભા સીટ પર વડનગરને એક મોકો મળે તેવુ મતદારો ઇચ્છી રહ્યા છે. ત્યારે વડનગરના સ્થાનિક નેતાઓ પણ હવે મેદાનમાં આવ્યા છે અને વડનગર તાલુકા માંથી જ કોઈપણ એક ઉમેદવારને ઊંઝા વિધાનસભા સીટ પર ટિકિટ મળે તેવી આશા વ્યક્ત કરતાં જણાય છે. અત્રે નોંધનીય છે કે દરેક ચૂંટણીમાં ઊંઝા સીટ પર જીત મેળવનાર ઉમેદવારની જીત વડનગરના મતદારો થકી જ નિશ્ચિત થતી હોય છે કારણ કે ઊંઝા તાલુકામાં વોટીંગ ૫૦ ટકામાં હંમેશા વહેંચાઇ જતું હોય છે.

ઊંઝા વિધાનસભા સીટ પર ઊંઝા માંથી ટિકિટ માટે અનેક મજબૂત દાવેદારોમાં ટાંટિયાખેંચ ની સ્પર્ધા જોવા મળી રહી છે. જો આ વખતે ઊંઝા વિધાનસભા સીટ પર ઊંઝા ના કોઈ ઉમેદવારને ટિકીટ આપવામાં આવે તો ભાજપને મોટું નુકસાન જઇ શકે છે કારણ કે હાલમાં ઊંઝા ભાજપમાં રીતસર ના બે ભાગલા જોવા મળી રહ્યા છે. ત્યારે બંને બાજુ ટિકિટ માટે ભારે ખેંચતાણ પણ જોવા મળી રહી છે .જો કોઈ એકને ટિકિટ મળે તો બીજું ગ્રુપ એને હરાવવા માટે પ્રયત્નો કરી શકે છે અને અંતે ભાજપને મોટું નુકસાન જઇ શકે છે. ત્યારે આ સીટ ને સુરક્ષિત રાખવા માટે હાઈ કમાન્ડ માટે પણ વડનગર એ સૌથી ઉત્તમ વિકલ્પ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને એમ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વતન છે જેને હજુ સુધી એક પણ વાર વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડવાનો મોકો પ્રાપ્ત થયો નથી ત્યારે આ વખતે વડનગરને તક મળે તેવું આ વિસ્તારના મતદારો પણ ઈચ્છી રહ્યા છે.