ગોવા-મસૂરી, ઊંટી છોડો....દૂર દૂરથી લોકો ગુજરાતના આ સ્થળો પર આવે છે હનીમૂન માટે

ગોવા-મસૂરી, ઊંટી છોડો....દૂર દૂરથી લોકો ગુજરાતના આ  સ્થળો પર આવે છે હનીમૂન માટે

Mnf network: સામાજિક રીતિ રિવાજો અને વ્યસ્ત દિનચર્યા અને લગ્નની ભીડભાડ...આવામાં નવા પરણેલા કપલના જીવનમાં હનીમૂન એ ખુબ જ જરૂરી અને મહત્વપૂર્ણ હોય છે. આ એ સમય હોય છે જ્યારે પતિ અને પત્ની એકબીજાને જાણવા અને સમજવા માટે જદ્દોજહેમત કરે છે. હનીમૂન ભાવિ જીવન માટે સુખદ અને મીઠી યાદો બનાવવા માટે મહત્વપૂર્ણ હોય છે.

સાપુતારા

સાપુતારા એ આમ જોવા જઈએ તો ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે. જે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. સાપુતારા એ મહારાષ્ટ્રની સરહદ પર સહ્રાદ્રિ પર્વતમાળામાં આશરે 1000 મીટર જેટલી ઊંચાઈ પર આવેલું છે. ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. ઉનાળામાં પણ અહીં તાપમાન 30 ડિગ્રીથી નીચે રહેતું હોય છે. સાપુતારા ફરવા માટે બેસ્ટ સ્થળ છે. અહીં તળાવ, રોપવે, સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ, નવાનગર (ડાંગી સંસ્કૃતિ દર્શન) વગેરે છે. રોઝ ગાર્ડન અને સ્ટેપ ગાર્ડન જેવા બગીચા છે. નજીકમાં 49 કિમીના અંતરે સાપુતારા-વઘઈ માર્ગ પર ગિરા ધોધ આવેલો છે જેનું આગવું સૌંદર્ય છે. 50 કિમી દૂર સપ્તશૃંગી ગઢ છે. સાપુતારા અમદાવાદથી 420 કિમી દૂર, જ્યારે મુંબઈથી 185 કિમી અને સુરતથી 164 કિમી દૂર છે. 

દિવ

દીવ જિલ્લો ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો એક જિલ્લો છે. દીવ જિલ્લાનું મુખ્ય મથક દીવ શહેર છે. દીવને ફરતે દરીયો છે જે તેને સુંદર બનાવે છે. રોમેન્ટિક જગ્યાઓની વાત કરીએ તો દીવમાં તમને તે ખોબલે ખોબલે જોવા મળશે. દીવનો કિલ્લો, લાઈટહાઉસ, ઉપરાંત સેંટ પૌલ ચર્ચ, નાઈડા ગુફાઓ, બીચ વગેરે પણ સુંદર સ્થળો છે. દીવ અમદાવાદથી 370 કિમી દૂર છે. સોમનાથ રેલવે સ્ટેશન ત્યાંથી 63 કિમીના અંતરે છે. 

કચ્છ

કછડો બારે માસ....આમ તો કચ્છ એ ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છનો રણોત્સવ તો વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. જે શિયાળામાં યોજાય છે. સફેદ રણ જોવાની મજા જ કઈક અલગ હોય છે. નવેમ્બર મહિનો શરૂ થતા જ આ રણોત્સવને માણવા માટે દેશ વિદેશથી લોકો કચ્છના ધોરડા ગામના મહેમાન બને છે. આ ઉપરાંત કચ્છમાં દરબાર ગઢમાં આવેલો આઈના મહેલ પણ અતિ સુંદર છે. અરીસાથી બનાવવામાં આવેલો આ મહેલ મીરર પેલેસ તરીકે પણ ઓળખાય છે. હમીરસર તળાવ પણ ભૂજમાં હ્રદય સમું છે. આ ઉપરાંત કચ્છમાં રામકુંડ છે જે ભૂજના હમીરસર તળાવની પાછળ આવેલો છે. ખાસ પ્રકારનો જળસ્ત્રોત જે 300 વર્ષથી પણ જૂનો હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે હમીરસર તળાવની પાણીની સપાટી મુજબ રામકુંડમાં પાણીની સપાટી રહે છે એમ કહેવાય છે. દરબાર ગઢમાં અન્ય પ્રાગ મહેલ પણ જોવા જેવો છે.

ગિર

કુદરતના ખોળે ખેલતું ગિર તમને આહલાદક અનુભવ કરાવશે. વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીની મજા પાર્ટનર સાથે માણવાની મજા જ કઈક અલગ રહે છે. ગિરમાં ફરવા માટે ઓક્ટોબરથી માર્ચ મહિનાનો સમય સારો ગણાય છે. તમને આ સમય દરમિયાન દુર્લભ પક્ષીઓ જોવાની પણ તક મળી શકે છે. ગિર જૂનાગઢથી 80 કિમી દૂર છે. સૌથી નજીકનું એરપોર્ટ કેશોદ છે જે 70 કિમી દૂર છે. ગિરનું રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભ્યારણ્ય જે ગીરનું જંગલ કે સાસણ ગીર તરીકે પણ ઓળખાય છે તે ગુજરાતમાં આવેલું જંગલ અને વન્ય જીવન અભ્યારણ્ય છે. એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે. એટલે કે એશિયાઈ સિંહો તમને સમગ્ર ભારતમાં ફક્ત આ ગિરમાં જ જોવા મળી શકશે

ડોન હિલ સ્ટેશન

 શું તમને આ એક હિલ સ્ટેશન વિશે ખબર છે જે સાપુતારા અને માઉન્ટ આબુને પણ ટક્કર મારે એવું છે. આ ડોન હિલ સ્ટેશન ડાંગ જિલ્લામાં આવેલું છે. ડાંગના મુખ્ય શહેર આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલું આ ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચુ અને 10 ગણો પહોળો વિસ્તાર ધરાવે છે. સહ્રાદ્રીની પર્વતમાળામાં આવેલું આ હિલ સ્ટેશન સુંદર ઊંચાઈ, હરિયાળી, વળાંક, નદી, ઝરણા જેવું બધુ જ ધરાવો છે જેને જોઈને ટાઢક થઈ જાય છે. સાપુતારાની જેમ આ હિલ સ્ટેશન પણ 1070 મીટરની ઊંચાઈએ છે. આ હિલ સ્ટેશન મહારાષ્ટ્ર બોર્ડરથી 3 જ કિલોમીટર દૂર છે. એટલે તમે ડોન થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકો છો. 

તમને એ પણ જણાવીએ કે અહીં ફરવાની સાથે તેનું ઐતિહાસિક મહત્વ પણ છે. ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ આ સ્થળ સાથે જોડાયેલી છે. ટ્રેકિંગ માટે પણ આ સ્થળ ઉત્કૃષ્ટ ગણાય છે. તેની વિશેષતાઓને જોતા આ સ્થળે પણ હવે દિન પ્રતિદિન પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે

વિલ્સન હીલ્સ

ગુજરાતીઓ ફરવા માટે બીજા રાજ્યો જવાનુ પસંદ કરે છે. ખાસ કરીને હિલ સ્ટેશનનો પ્રવાસ માણવા માટે હિમાચલ, મસૂરી, લેહ લદ્દાખ જવાનુ પસંદ કરે છે. પરંતુ ગુજરાત પાસે પણ આલાગ્રાન્ડ હિલ સ્ટેશનનો ખજાનો છે. તેમાં પણ એક હિલ સ્ટેશનની વાત કરીએ તો કુલુમનાલીની પહાડીઓ પણ તેની સામે ફિક્કી લાગશે. આ હિલ સ્ટેશન છે વલસાડનુ વિલ્સન હિલ્સ (Wilson hills) અનેક લોકો આ હિલ્સની ખાસિયત નથી જાણતા. ગુજરાત આ એકમાત્ર એવુ હિલ સ્ટેશન છે, જ્યાથી સમુદ્રનો નજારો પણ જોઈ શકાય છે. એકવાર તમે આ પહાડી પર આવશો તો તમને બીજે ક્યાય જવાનું મન નહિ થાય. વિલ્સન હિલ્સ ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન  છે, પરંતુ તે વધુ એક્સપ્લોર થયુ નથી. વિલ્સન હિલ્સ વલસાડના ધરમપુરમાં આવેલુ છે. વિલ્સન હિલ્સ જંગલોથી ઘેરાયેલુ હિલ સ્ટેશન છે. તે પયંગબરી વન્યજીવ અભ્યારણ્ય પાસે આવેલુ છે. તે ગુજરાતનુ એકમાત્ર એવુ હિલ સ્ટેશન છે, જ્યાં સમુદ્રને પણ જોઈ શકાય છે.

વિલ્સન હિલ્સ સમુદ્રની લેવલથી અંદાજે 750 મીટરની ઊંચાઈ એટલે કે 2500 ફીટની ઊંચાઈએ આવેલુ છે. ઉનાળાના દિવસોમાં આ હિલ સ્ટેશન એકદમ શાંત અને શીતળ અનુભવ કરાવે છે. અહીના વળાંકવાળા રસ્તાઓ સૌથી વધુ પોપ્યુલર છે. જે સર્પાકાર આકારમાં છે. હરિયાળીથી ઢંકાયેલી પહાડી, વાદળોનુ ચાદર ઓઢતુ અદભૂત દ્રશ્ય, ચોમાસામાં દરેક પહાડી પરથી ટપકતા ઝરણા અને ખુશ્નુમા માહોલ તથા ચારેતરફ છવાયેલુ ધુમ્મસ તમારુ દિલ જીતી લેશે. સાપુતારા હિલ સ્ટેશનની સરખામણીમાં આ હિલ સ્ટેશન થોડુ નાનુ છે. પરંતુ તેને મિની સાપુતારા જ કહેવાય છે. જો તમે ચોમાસામાં ક્યાંય જવા માંગો છો તો આ હિલ સ્ટેશન પરફેક્ટ લોકેશન છે.